બીડમાં મહારાષ્ટ્ર પોલીસ દળમાં કાર્યરત એક ખેડૂતના કુટુંબમાં જન્મેલી પ્રતિભા સાંગળેએ મિસ મહારાષ્ટ્રનો ખિતાબ મેળવ્યો છે. કુસ્તીબાજ, પોલીસ દળમાં કોન્સ્ટેબલ અને હવે મિસ મહારાષ્ટ્ર એમ પ્રતિભાનો પ્રવાસ ખરેખર પ્રેરણાદાયી છે.બીડના પોલીસ દળમાં કાર્યરત પ્રતિભા મિસ મહારાષ્ટ્ર બન્યા પછી ચર્ચામાં આવી છે. તે મૂળ આષ્ટી તાલુકાની હોઈ 2010માં બીડ પોલીસ દળમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ મુખ્યાલયમાં મહિ લા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે.પ્રતિભા છેલ્લાં અનેક વર્ષથી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતી હતી.
આ માટે તેણે ઘણા પ્રયાસ કર્યા. આખરે ડિસેમ્બરના આખરમાં પુણેમાં આયોજિત સ્પર્ધામાં તે પ્રથમ રનર-અપ બનીને મિસ મહારાષ્ટ્ર બની હતી. પ્રતિભાએ કુસ્તીનું મેદાન પણ ગજાવ્યું છે. હવે તે મિસ ઈન્ડિયા યુનિવર્સની તૈયારીમાં લાગી ગઈ છે.પ્રતિભા કહે છે, મારા દાદા કુસ્તીબાજ હતા. તેમને જોઈને મને કુસ્તીબાદ બનવાની પ્રેરણા મળી હતી અને હું કુસ્તીના મેદાનમાં ઊતરી હતી. સૌપ્રથમ પોલીસ દળમાં ખેલાડી તરીકે જોડાઈ હતી. નાનપણમાં શાળા, ગેધરિંગમાં સહભાગી થતી હતી. આથી તે શોખનું જતન કરવું જોઈએ એવું મને લાગ્યું, જેથી હું સૌંદર્ય સ્પર્ધા તરફ વળી હતી.
બીજ જિલ્લો શેરડી તોડનારા મજૂરોનો જિલ્લો તરીકે ઓળખાય છે. અહીંની છોકરીઓનું શિક્ષણ બહુ ઓછું છે. હું માતા- પિતાઓને અનુરોધ કરવા માગું છું કે છોકરીઓનું ભણતર પૂરું નહીં થાય ત્યાં સુધી તેમનાં લગ્ન નહીં કરો. છોકરીઓના બાળવિવાહ નહીં કરાય તે માટે હું જિલ્લામાં જનજાગૃતિ લાવીશ. પોલીસ દળ, કુસ્તી અને મોડેલિંગ સાથે સુમેળ સાધીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સામે તેણે દાખલો બેસાડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.