કિશોર વયના બાળકોમાં 10 વર્ષની ઉંમરથી જ તંબાકુજન્ય પદાર્થોનું વ્યસન થતું હોવાથી આ વયજૂથમાં સ્કૂલના અભ્યાસક્રમના માધ્યમથી જ જનજાગૃતિ થવી જરૂરી છે એવી ભલામણ રાજ્યમાં વૈશ્વિક સ્તરે યુવાનોમાં તંબાકુ સર્વેક્ષણ કરતી આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થાએ કરી છે.
આઈઆઈપીએસ સંસ્થાએ રાજ્યમાં 13 થી 15 વર્ષના વયજૂથના બાળકોમાં સર્વેક્ષણ કર્યું છે. એનો અહેવાલ તાજેતરમાં સંસ્થાએ જાહેર કર્યો છે. એ અનુસાર કેટલીક ધોરણાત્મક ભલામણો સંસ્થાએ રાજ્ય સરકારને કરી છે. રાજ્યમાં કિશોર વયના બાળકોમાં વ્યસનનું પ્રમાણ 5.1 ટકા છે. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યમાં આ પ્રમાણ 57 ટકા છે. દેશની સરખામણીએ રાજ્યમાં આ પ્રમાણ ઘણું ઓછું છે છતાં બાળકોમાં ખાસ કરીને છોકરાઓ અને શહેરના યુવાવર્ગમાં વ્યસનનું પ્રમાણ ઓછું કરવા માટે લક્ષ્ય રાખીને પ્રયત્ન કરવા જરૂરી છે.
ઘરમાં અને સાર્વજનિક ઠેકાણે મોટા ભાગે ધુમ્રપાન કરે છે એમ આ સર્વેક્ષમમાં બાળકોએ નોંધ્યું છે. ઘરમાં ધુમ્રપાન કરવાથી બાળકો પર થતી અસર બાબતે વાલીઓમાં જાગૃતિ કરવી પણ જરૂરી છે. સાર્વજનિક ઠેકાણે ધુમ્રપાન કરવા પર બંધી મૂકવી જરૂરી છે એમ આ ભલામણોમાં નોંધવામાં આવ્યું છે. પાનની ટપરી કે દુકાનમાં દેખાય એ રીતે મોટા અક્ષરોમાં બાળકોને તંબાકુજન્ય પદાર્થોનું વેચાણ કરવું નહીં એમ લખેલુ બોર્ડ લગાડવામાં આવે. બાળક આઠમા કે નવમા વર્ષે લતે ચઢતા હોવાનું આ સર્વેક્ષણમાં જણાયું છે.
પ્રાથમિક શિક્ષણના સ્તરે વ્યસન બાબતે જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવા. તંબાકુજન્ય પદાર્થોના વ્યસનના લીધે શરીર પર થતા દુષ્પરિણામ બાબતે માહિતી અથવા જનજાગૃતિ કરતી માહિતીનો સ્કૂલ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો. તેમ જ તંબાકુવિરોધી કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહભાગી કરવા જેવી ભલામણો રાજ્યના આરોગ્ય વિભાગને આપ્યાની માહિતી આઈઆઈપીએસના આર. નાગરાજને આપી હતી.
સર્વેક્ષણમાં મળેલી બાબતો અનુસાર સંસ્થાએ ધોરણાત્મક ભલામણો અમારી પાસે રજૂ કરી છે. આ ભલામણો પર ચર્ચા કરવામાં આવશે અને એની અમલબજાવણી કરવા બાબતે ઉપાયયોજના કરવામાં આવશે એમ આરોગ્ય વિભાગના અપર સચિવ ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.