જાગૃતિ અભિયાન:ગેસ સિલિંડરના ગળતરથી લાગતી આગની દુર્ઘટના ટાળવા અગ્નિશમન દળ દ્વારા જનજાગૃતિ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ સિલિંડર ગળતરથી સંબંધિત કુટુંબ સહિત પડોશીઓને પણ જીવનું જોખમ ઊભું થાય છે

છેલ્લા થોડા વર્ષોમાં રસોડાના ગેસ સિલિંડરમાંથી ગળતરના કારણે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજા કારણોની સરખામણીએ ગેસ સિલિંડરના ગળતરથી લાગતી આગની દુર્ઘટનાઓની સંખ્યા ઓછી છે છતાં મૃતક અને જખમીઓની સંખ્યા વધી રહી છે. પરિણામે અગ્નિશમન દળ સમક્ષ વધુ એક નવો પડકાર ઊભો થયો છે.

અગ્નિશમન દળ જનજાગૃતિ કરીને ગેસ સિલિંડરના ગળતરથી લાગતી આગની દુર્ઘટનાઓ ટાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં મુંબઈમાં 26 હજાર 855 આગની દુર્ઘટનાઓ બની છે. એમાંથી 20 હજાર 9 આગની દુર્ઘટના ઈલેકટ્રીક શોર્ટસર્કિટના કારણે થયાનો નિષ્કર્ષ તપાસ અહેવાલમાં નોંધવામાં આવ્યો છે. બાકીની ઘટનાઓ જુદા જુદા કારણથી થઈ. છેલ્લા છ વર્ષમાં રસોડાના ગેસ સિલિંડરમાંથી થયેલા ગળતરના કારણે આગની 332 ઘટના બની.

આ દુર્ઘટનાના કારણે સંબંધિત કુટુંબ સહિત પડોશીઓને પણ જીવનું જોખમ ઊભું થયાનું ધ્યાનમાં આવ્યું છે. છ વર્ષમાં ગેસ સિલિંડરમાં ગળતરના કારણે લાગેલી આગની દુર્ઘટનાઓની સંખ્યા સરખામણીએ ઓછી છે છતાં મૃતકો અને જખમીઓની સંખ્યા વધી રહી છે. ગેસ સિલિંડરમાં ગળતરના કારણે 2016-17ના વર્ષમાં 66 ઠેકાણે આગ લાગી હતી.

જોકે 2021-22માં આ જ કારણોસર 73 ઠેકાણે આગ લાગી હતી. એમાં 20 પુરુષ અને 22 મહિલાઓ એમ કુલ 42 જણ જખમી થયા. 11 પુરુષ અને 3 મહિલા એમ કુલ 14 જણે જીવ ગુમાવ્યો. છેલ્લા બે વર્ષથી ગેસ સિલિંડરમાં ગળતરના કારણે લાગતી આગમાં મૃત અને જખમીઓની સંખ્યા વધી રહી છે. જનજાગૃતિ દ્વારા આવી દુર્ઘટનાઓ ઓછી કરવાનો સંકલ્પ અગ્નિશમન દળે કર્યો છે.

રસોડાના ગેસ સિલિંડરમાંથી ગળતર થતા આગ ન લાગે એ માટે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. નાગરિકોએ સહકાર્ય કરવું. નાગરિકોએ પોતાનું ધ્યાન રાખવું તો જ આવી દુર્ઘટનાઓ ટાળી શકાશે એમ મુંબઈ અગ્નિશમન દળના મુખ્ય અગ્નિશમન અધિકારી હેમંત પરબે જણાવ્યું હતું.

ગેસ સિલિંડરમાં ગળતરના કારણે આગ લાગે તો શું કરવું?
જાડા કપડાને ભીનું કરીને સિલિંડરના રેગ્યુલેટરની ફરતો વીંટાળવું. શક્ય હોય તો રેગ્યલેટર બંધ કરવું. તરત અગ્નિશમન દળ, સંબંધિત ગેસ કંપનીને જણાવવું. ઈલેકટ્રીકની મેઈન સ્વીચ ઓફ્ફ કરવી. આગની માહિતી પડોશીઓને આપીને બધાએ મોડું કર્યા વિના સુરક્ષિત સ્થળે જવું.

કનેક્શન અને વાપરવા સમયે સુરક્ષા
ગેસ સિલિંડરની મુદત પૂરી થવાની તારીખ તપાસવી. ગેસ સિલિંડર ઘરે આવે ત્યારે એમાંથી ગળતર થતું નથી એની ખાતરી કરવી. ગેસ સિલિંડર જ્વલનશીલ પદાર્થ નજીક ન રાખવું. હવાવાળા ઠેકાણે સિલિંડર ઊભી સ્થિતિમાં રાખવું. ગેસ રેગ્યુલેટર બરોબર જોડાયું હોવાની ખાતરી કરવી. કનેક્શન માટે આઈએસઆઈ પ્રમાણીત નારંગી રંગનો સુરક્ષા પાઈપ વાપરવો. સુરક્ષા પાઈપને એક કરતા વધુ ચુલા ન જોડવા. ઉપયોગ ન થાય ત્યારે ગેસ સિલિંડર નિયમિત બંધ કરવું.

ગેસ ગળતર થાય તો…
વીજ ઉપકરણોના બટન ચાલુ કે બંધ ન કરવા. તરત અગ્નિશમન દળ અને સંબંધિત ગેસ કંપનીને જણાવવું. સિલિંડરનું રેગ્યુલેટર તરત બંધ કરવું. બધી બારીઓ, દરવાજા ખોલી નાખવા. સિલિંડરમાંથી ગેસ ગળતર થતું હોય તો કોઈ બળતી વસ્તુ નજીક ન લાવવી. સિલિંડરની કેપ લગાડીને એને ખુલ્લા મેદાનમાં લઈ જવું. સિલિંડર સંબંધિત કંપનીના તાબામાં આપવું.

અન્ય સમાચારો પણ છે...