મસ્ટર પર સહી કરીને હાજરી નોંધવાની પદ્ધતિ હવે કાળબાહ્ય થઈ છે. એ પછી મંત્રાલયમાં બાયોમેટ્રિક હાજરી શરૂ થઈ હતી. પણ કોરોનાના સંક્રમણનું જોખમ ધ્યાનમાં લેતા બાયોમેટ્રિક્સ પદ્ધતિ અત્યારે બંધ કરવામાં આવી છે. પણ હવે ફેસમેટ્રિક્સ એટલે કે ચહેરાની ચકાસણી દ્વારા હાજરી શરૂ કરવાની મહત્વકાંક્ષી યોજના તૈયાર થઈ રહી છે. મંત્રાલયમાં છેલ્લા થોડા વર્ષથી બાયોમેટ્રિક્સ હાજરી ચાલુ હતી. પણ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મંત્રાલયના કર્મચારીઓની બાયોમેટ્રિક્સ હાજરી બંધ કરવામાં આવી.
કોરોનાનું સંક્રમણ ઓછું થતા જ ફરીથી બાયોમેટ્રિક્સ હાજરી શરૂ કરવામાં આવી. પણ હવે ત્રીજી લહેર આવવાથી ફરીથી આ પદ્ધતિ બંધ કરવાનો નિર્ણય સામાન્ય પ્રશાસન વિભાગે લીધો હતો. હવે ભવિષ્યમાં પણ કોરોનાનું જોખમ રહે એવી શક્યતા છે. તેથી હાજરી માટે ફેસમેટ્રિક્સ પદ્ધતિ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જોકે શરૂઆતમાં આ યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાશે. આ સંદર્ભે મંત્રાલયમાં સામાન્ય પ્રશાસન વિભાગે બેઠક યોજી હતી. એમાં ફેસમેટ્રિક્સ હાજરી બાબતે હકારાત્મકતા દર્શાવવામાં આવી હતી.
આ બાબતે સામાન્ય પ્રશાસન રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેએ જણાવ્યું કે કોરોના અને ઓમિક્રોનની પાર્શ્વભૂમિ પર મંત્રાલયના કર્મચારીઓની બાયોમેટ્રિક્સ ઉપસ્થિતિ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. એના બદલે હવે અત્યાધુનિક ટેકનોલોજીવાળી ચહેરો ચકાસવાની પ્રણાલી એટલે કે ફેસમેટ્રિક્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો કર્મચારીઓનો સમય પણ બચશે. પ્રાયોગિક ધોરણે આવા કેટલાક મશીનનો ઉપયોગ કરવા બાબતે હકારાત્મક કાર્યવાહી કરવી એવો નિર્દેશ તેમણે આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.