તપાસ:STની હડતાળના સમર્થનમાં મંત્રાલય નજીક 2 જણનો આત્મહત્યાનો પ્રયાસ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર વિરોધ કરનારા પુરુષ અને મહિલાની અટકાયત

રાજ્યમાં ચાલી રહેલી એસટીની હડતાળના સમર્થનમાં રવિવારે બે પુરુષે મંત્રાલય નજીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે રસ્તા પર વિરોધ કરવા બેઠેલા બે પુરુષ અને ચાર અન્ય મહિલાઓને અટકાયતમાં લીધાં હતાં. જન શક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ રવિવારે સવારે 11 વાગ્યે દક્ષિણ મુંબઈમાં મંત્રાલયની બહાર પહોંચી ગયાં હતાં. એસટી મહામંડળનું રાજ્ય સરકાર સાથે વિલીનીકરણ કરવાની માગણી સાથે છેલ્લા એક મહિનાથી એસટીના કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે.

વિલીનીકરણથી એસટી મહામંડળ આર્થિક ભીંસમાંથી બહાર આવશે, જેને લીધે કર્મચારીઓને સરકારના કર્મચારીઓ જેવો દરજ્જો અને લાભો મળશે એવી તેમની માગણી છે.તેમના સમર્થનમાં આ પક્ષના કાર્યકરો મંત્રાલય નજીક પહોંચ્યા હતા અને સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.આ પછી બે કાર્યકરોએ કેરોસીન છાંટીને આત્મદહનનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ચાર મહિલાઓ રસ્તાની વચ્ચે બેસી ગઈ હતી. જોકે ત્યાં હાજર પોલીસે બે પુરુષનો આત્મદહનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી બે પુરુષ અને ચાર મહિલાને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયાં હતાં.

પાલઘરમાં આત્મહત્યાનો પ્રયાસ
દરમિયાન પાલઘરમાં એક એસટી કર્મચારીએ પોતાના ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાલઘરના જવ્હાર ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર દીપક ખોરગડેએ ઘરમાં ઝેર ઘોળી લીધું હતું. પરિવારજનો તેને તુરંત જવ્હાર સબ- હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની પર સારવાર ચાલી રહી છે. સરકારના ઓરમાયા વર્તનથી કર્મચારી ભવિષ્ય વિશે ચિંતિત છે. પીઆઈ અપ્પાસાહેબ લેંગરે જણાવ્યું કે અમે આ ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...