શિવસેનાના શિવરી મતવિસ્તારના વિધાનસભ્ય અજય ચૌધરીના બેન્ક ખાતામાંથી રૂ. 78 લાખ કઢાવવાનો પ્રયાસ કરવા સંબંધે પોલીસે મુંબઈમાં કાંદિવલી અને અમદાવાદમાં નારણપુરાથી બે જણની ધરપકડ કરી છે, જ્યારે હજુ એક આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. બેન્ક અધિકારીની સતર્કતાને લીધે આરોપીઓનો છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.કાલા ચોકી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદ પછી પોલીસે તુરંત તપાસનાં ચક્રો ગતિમાન કરીને કાંદિવલી પશ્ચિમમાં મહાવીરનગર ખાતે વીણા સારંગ સોસાયટીમાં રહેતા જયેશ ચંદ્રકાંત શાહ (54) અને અમદાવાદના નારણપુરામાં સોલા રોડ પર સત્યમ સ્કાયલાઈન સોસાયટીમાં રહેતા સુકેતુ રમેશચંદ્ર દવે (47)ની ધરપકડ કરી છે. બંનેને રવિવારે હોલીડે કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં મેજિસ્ટ્રેટે તેમને 17 મે સુધી રિમાંડ પર લેવા માટે પોલીસને મંજૂરી આપી હતી.એફઆઈઆર મુજબ અજય ચૌધરી પરેલમાં રહે છે.
તેમનું બેન્ક ખાતું નેશનલાઈઝ્ડ બેન્કની લાલબાગ શાખામાં છે. બુધવારે બપોરે તેઓ મહાપાલિકાની ઓફિસમાં ગયા હતા. તેઓ મહાપાલિકાના અધિકારીઓ સાથે અમુક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરતા હતા ત્યારે તેમને બેન્ક અધિકારીનો ફોન આવ્યો હતો. અધિકારીએ તેમણે રૂ. 78 લાખનો ચેક કોઈને આપ્યો છે કે કેમ એવું પૂછ્યું હતું. તેમણે આવો ચેક અપાયો ન હોવાનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.