તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણમાં અષાઢી માહોલ:ચોપાટીનાં પાણી બહાર આવી જતાં દક્ષિણ મુંબઈ સમુદ્રમાં ફેરવાઈ ગયું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈના માર્ગો તળવા બની ગયા છે. પાણીમાં રમી રહેલા બાળકો. - Divya Bhaskar
મુંબઈના માર્ગો તળવા બની ગયા છે. પાણીમાં રમી રહેલા બાળકો.
  • 2005નાં કાળમુખાં પૂરને પણ ટપી જાય તેવો વરસાદ
  • ચોપાટી, બાબુલનાથ, પેડર રોડ, મરીન લાઈન્સ, બ્રીચકેન્ડી, નાનાચોક, તારદેવ, પરેલ જળબંબાકાર
  • દુકાનો ફરી ખૂલી અને વરસાદના પ્રકોપથી ભારે નુકસાનઃ પવનથી અનેક પાટિયાં, હોર્ડિંગ્સ ઊખડી પડ્યાં

2005નાં કાળમુખાં પૂરને પણ ટપી જાય તે રીતે મુંબઈમાં બુધવારે મુશળધાર વરસાદ વરસતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં પહેલી જ વાર ચોપાટી વિસ્તારમાં સમુદ્રનાં પાણી રસ્તા પર આવી જતાં ઠેકઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં.ખાસ કરીને સુસવાટાભર્યા પવન સાથે વરસાદ વરસતો હોવાથી ઠેર ઠેર દુકાનનાં પાટિયાં, ઈમારતો પરનાં હોર્ડિંગ્સ, વીજળીના થાંભલા પણ ઊખડીને પડી ગયા હતા. દક્ષિણ મુંબઈમાં સંભવિત રીતે પહેલી જ વાર પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. ચાર મહિના લોકડાઉનને લીધે ભારે નુકસાન ભોગવનારા દુકાનદારો અને મોલ્સ 5 ઓગસ્ટથી ફરીથી હોંશે હોંશે ખૂલ્યાં ખરાં, પરંતુ વરસાદે બધાને નિરાશ કરી દીધા હતા.

ચાર મહિના કામધંધા બંધ હોવાથી મોટું નુકસાન વેઠનારા ઘણા બધા વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈને માલો ખરાબ થતાં વધુ નુકસાન થયું
હવામાન વિભાગે રેડ અલર્ટ કરવાથી મોટા ભાગની દુકાનો અને મોલ્સમાં સ્ટાફ આવ્યો નહોતો. આને કારણે દક્ષિણ મુંબઈમાં 50 ટકા જ દુકાનો ખૂલી હતી. ચાર મહિના પછી બુધવારે દુકાનો ખોલવા માટે ઘણા બધા દુકાનદારો સવારે પહોંચી ગયા, પરંતુ ભારે વરસાદને લીધે સ્ટાફ અને ગ્રાહકો પણ નહીં આવતાં દુકાનદારો માટે ઘેર પાછા કઈ રીતે જવું એવી દ્વિધા ઊભી થઈ હતી, કારણ કે દક્ષિણ મુંબઈમાં મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ચોપાટી, બાબુલનાથ, પેડર રોડ, મરીન લાઈન્સ, ગ્રાન્ટ રોડ, બ્રીચ કેન્ડી, નાના ચોક, તારદેવ, પરેલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક દુકાનોમાં પાણી ભરાઈ જવાથી માલો અને ફર્નિચરને નુકસાન થયું હતું. વરસાદ સાથે તોફાની પવને વધુ નુકસાન કર્યું હતું. ખાસ કરીને ચાર મહિના કામધંધા બંધ હોવાથી મોટું નુકસાન વેઠનારા ઘણા બધા વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈને માલો ખરાબ થતાં વધુ નુકસાન થયું હતું, જેને લીધે તેઓ હતાશ થઈ ગયા હતા. મુંબઈમાં ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં સ્થિતિ અત્યંત બિહામણી બની ગઈ હતી, એમ ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિરેન શાહે જણાવ્યું હતું.

પાટાઓ પર પાણી ભરાઈ જવાથી ત્રણેય માર્ગની રેલવે ટ્રેનોનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો
મંગળવારે રાતથી જ જોરદાર વરસાદ પડતો હતો. જોકે બુધવારે જોર વધ્યું હતું. તેમાં સાંજ પછી પ્રતિ કલાક 100 કિમી પવનની ગતિ સાથે તોફાની વરસાદ પડતો હતો. આને કારણે હિંદમાતા, સક્કર પંચાયત ચોક, દાદર ટીટી, એસઆઈઈએસ કોલેજ, ગોળ દેઉળ, જે જે જંકશન, ઠાકુરદ્વાર નાકા, શેખ મિસ્ત્રી દરગાહ રોડ, ભીંડીબજાર જંકશન, ચેમ્બુર પોસ્ટલ કોલોની, ચૂનાભટ્ટી, બંદર ભવન, સીએસટી કુર્લા રોડ, માનખુર્દ રેલવે સ્ટેશન, અંધેરી સબવે, દહિસર સબવેસ નેશનલ કોલેજ બાંદરા ખાતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં.પાટાઓ પર પાણી ભરાઈ જવાથી ત્રણેય માર્ગની રેલવે ટ્રેનોનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો. પાટાઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રેનવ્યવહાર સાથે માર્ગવ્યવહાર પણ ઠપ થયો હતો, જેને લીધે ઘરેથી કામધંધે બહાર જવા નીકળેલા સેંકડો લોકો અટવાઈ ગયા હતા. ખાસ કરીને હાલમાં લોકો માટે જીવાદોરી બનેલી બેસ્ટની બસોનો વ્યવહાર પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ખોરવાઈ ગયો હતો.

જેજે હોસ્પિટલમાં પાણી
ભારે વરસાદને લીધે જેજે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. દક્ષિણ મુંબઈમાં જસલોક હોસ્પિટલની ઈમારતની ઉપર બેનર તૂટીને નીચે વાહનો પર પડ્યું હતું. મંત્રાલય મુખ્ય પ્રવેશદ્વાર સુરક્ષા ચોકી સહિત ગાર્ડન ગેટ સામે ઝાડ તૂટી પડ્યું હતું. બીએસઈ ઈમારતની ઉપરનું સાઈનબોર્ડ પણ ઊખડી પડ્યું હતું.

141 ઝાડ-ડાળખી તૂટી પડ્યાં
દરમિયાન સુસવાટાભર્યા પવન અને તોફાની વરસાદને લીધે શહેર ક્ષેત્રમાં 112, પશ્ચિમ ઉપનગરમાં 13, પૂર્વ ઉપનગરોમાં 16 સહિત 141 સ્થળે ઝાડ અને ડાળખીઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. શહેરમાં 10 સ્થળે શોર્ટસરકિટની દુર્ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.

NDRFની 15 ટીમો રવાના થઈ
દરમિયાન મુંબઈ સહિત રાજ્યભરમાં પૂર જેવી સ્થિતિઓ પેદા થતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 15 ટીમો સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા માટે રવાના કરવામાં આવી હતી, જેમાંથી કોલ્હાપુરમાં 4 ટીમ, મુંબઈમાં 5 ટીમ, સાતારા, થાણે, પાલઘર, નાગપુરમાં પ્રત્યેકી એક-એક ટીમો મોકલવામાં આવી હતી.

કોંકણમાં નદીઓમાં પૂર
દરમિયાન કોંકણમાં નદીઓમાં પૂર આવ્યાં હતાં. મુંબઈ- ગોવા હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીરા – ભાયંદર, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, ભિવંડી, થાણે, પાલઘર, દહાણુ મીરા- ભાયંદર, વસઈ- વિરાર સહિત ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું હતું.

ઓવરહેડ વાયર પર ઝાડ પડ્યું
દરમિયાન મરીન લાઈન્સ સ્ટેશન નજીક એક વિશાળ ઝાડ ઓવરહેડ વાયર પર તૂટી પડ્યું હતું, જેને લઈ વિસ્ફોટ જેવો અવાજ થતાં આસપાસમાં ગભરાટ ફેલાયો હતો. વાયરમાંથી આગ જેવો ભડકો નીકળ્યો હતો અને જોત -જોતામાં ઝાડમાં આગ પ્રસરી હતી આ દુર્ઘટનાને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

મસ્જિદ- ભાયખલામાં ટ્રેનમાં પ્રવાસી અટવાયા
દરમિયાન મસ્જિદ બંદર અને ભાયખલા સ્ટેશન નજીક બે લોકલ ટ્રેન પાટા પર અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં ફસાઈ ગઈ હતી. સીએસટીથી કરજત જવા નીકળેલી ટ્રેનમાં 150 પ્રવાસી હતા, જેમને એનડીઆરએફ અને રેલ કર્મચારીઓની મદદથી ઉગારી લેવાયા હતા. અન્ય ટ્રેનમાં 50- 60 પ્રવાસી હતા તેમને પણ ઉગારી લેવાયા હતા. ઉગારાયેલા પ્રવાસીઓને કમર સુધીનાં પાણીમાંથી નજીકના સ્ટેશને પહોંચવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...