ભાસ્કર વિશેષ:મુંબઈ એરપોર્ટનું ટી-1 શરૂ થતાં જ એક સપ્તાહમાં 94,716 પ્રવાસી જોવા મળ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહમાં 730 જેટલી ફ્લાઈટ્સે અવરજવર કરી

મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ 1 શરૂ થતાં જ એક સપ્તાહમાં 94,716 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. 13મીથી 20મી ઓક્ટોબર વચ્ચે 46,187 પ્રવાસીઓએ આગમન કર્યું હતું, જ્યારે 48,529 પ્રવાસીઓએ પ્રસ્થાન કર્યું હતું. ગોફર્સ્ટ સ્ટાર એર, એર એશિયા ઈન્ડિયા અને ટ્રુજેટની 730 ફ્લાઈટ્સે અવરજવર કરી હતી.કોવિડના નિયંત્રણો હળવાં થયાં પછી ટી1 ફરીથી શરૂ કરાતાં પ્રથમ સપ્તાહમાં વીકડેઝમાં 57,382 પ્રવાસી અને વીકએન્ડમાં 37,334 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. 19, 29 અને 20 ટકા સાથે અનુક્રમે નવી દિલ્હી, ગોવા અને બેન્ગલુરુનો પ્રવાસી ટ્રાફિક સૌથી વધુ હતો.

દરમિયાન મુંબઈ એરપોર્ટે ગત રવિવારે એક દિવસમાં 92,000 પ્રવાસી હાથ ધર્યા હતા, જે એક પ્રકારનો કોરોનાકાળમાં વિક્રમ છે. દેશવ્યાપી આ દિવસે 3.27 લાખ પ્રવાસીઓએ ડોમેસ્ટિક એરલાઈન્સમાં અવરજવર કરી હતી, જે ગયા વર્ષે લોકડાઉન થયો ત્યારથી એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે.

2020માં મહામારી શરૂ થયા પછી લગભગ દોઢ વર્ષ બાદ મુંબઈ એરપોર્ટ પર 17 ઓક્ટોબરે 91,904 પ્રવાસીઓએ અવરજવર કરી હતી, જે 23 માર્ચ, 2020થી સર્વોચ્ચ અવરજવર છે, એમ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઈએએલ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું. મુંબઈ એરપોર્ટ ટર્મિનલ-2 દ્વારા 494 ફ્લાઈટમાં 75,944 પ્રવાસીઓએ અવરજવર કરી હતી, જ્યારે વિલે પાર્લેમાં ટર્મિનલ-1એ 114 ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 15,960 પ્રવાસીઓએ અવરજવર કરી હતી.

ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, જેમાં રવિવારે લોકો વધુ પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ મહિનાના સર્વ રવિવારે મુંબઈ સાથે દેશભરમાં પ્રવાસીઓની સંખ્યા વધેલી જોવા મળી હતી. રવિવાર 10 ઓક્ટોબરે દેશમાં 3.09 લાખ ડોમેસ્ટિક પ્રવાસીઓએ અવરજવર કરી હતી, જ્યારે તેના આગલા દિવસ શનિવારે 3.04 લાખ પ્રવાસી અને સોમવાર 11 ઓક્ટોબરે 2.65 લાખ પ્રવાસીઓએ અવરજવર કરી હતી.વર્ષાંત સુધી આ સંખ્યામાં ઓર વધારો થવાની ધારણા છે. ખાસ કરીને સપ્તાહના અન્ય દિવસો અને વીકએન્ડ કરતાં રવિવારને પ્રવાસીઓ વધુ પસંદ કરી રહ્યા છે.

દરમિયાન સોમવાર 18 ઓક્ટોબરે 24 કલાકમાં 2400 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ચલાવી હતી. આ વર્ષે માર્ચમાં પણ ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં આટલો જ વધારો નોંધાયો હતો. જોકે કોરોનાની બીજી લહેર પછી નિયંત્રણો આવતાં હવાઈ પ્રવાસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

દિવાળીમાં ધસારો વધશે
આગામી સપ્તાહોમાં ખાસ કરીને દિવાળી વીકએન્ડ હોવાથી અને નિયંત્રણો હળવાં થયાં હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઓર વધારો થવાની ધારણા છે. એરલાઈન્સને હવે તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે સંચાલન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે દિવાળી વીકએન્ડ માટે ભાડાંમાં પણ વધારો શરૂ થયો છે. મુંબઈથી દિલ્હી અને ગોવા જવા માટે હાલમાં રૂ. 10,000થી ભાડું શરૂ થાય છે, જે આગામી દિવસોમાં વધી શકે છે, એમ એક એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...