ક્રુઝ પર રેવ પાર્ટી પ્રકરણ:ક્રુઝ મુંબઈ આવતાં જ ફરીથી તલાશી ,આઠ જણને કબજામાં લેવાયા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ- ગોવા ક્રુઝ પર મધદરિયે શનિવારે ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યા પછી આ ક્રુઝ સોમવારે સવારે મુંબઈ આવ્યું હતું, જે પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ફરીથી તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું, જે સાથે એનસીબીએ વધુ આઠ જણને કબજામાં લીધા હતા. જોકે આ અંગે વિગતો જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો. એનસીબીએ આ કેસમાં અગાઉ બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન (૨૩) અને સાત અન્યોની ધરપકડ કરી છે, જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત તેમની માહિતી પરથી જુહુથી એક ડ્રગ તસ્કરની પણ ધરપકડ કરી છે.મુંબઈથી ગોવા જતું આ જહાજ કાર્ડેલિયા ક્રુઝીસ કંપનીનું હતું. બે દિવસ પછી જહાજ મુંબઈમાં પાછું આવ્યું છે એવી માહિતી મળતાં એનસીપીના ઝોનલ હેડ સમીર વાનખેડે સહિતની ટીમ ક્રુઝ ટર્મિનલ પર પહોંચી હતી અને જહાજની તલાશી લીધી હતી.શનિવારે સાંજે વાનખેડેની આગેવાનીમાં ડ્રગ્સ પાર્ટીની માહિતી પરથી દરોડા પાડવામાં આવ્યા હતા, જે સમયે ૧૩ ગ્રા કોકેઈન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રા ચરસ અને ૨૨ એક્સ્ટેસીની ગોળીઓ તથા રૂ. ૧.૩૩ લાખની રોકડ મળી આવ્યા હતા.

એનસીબીના ૨૦ અધિકારી મહેમાન તરીકે જહાજમાં ગયા હતા અને ડ્રગ્સ પાર્ટી પકડી પાડી હતી.જહાજમાં તે સમયે ૧૮૦૦ મહેમાનો હતો, પરંતુ આર્યન સહિત આઠ સિવાયના બધાને તપાસ પછી જવા દેવાયા હતા. આર્યન સિવાય આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુનમુન ધમિચા, અરબાઝ મર્ચન્ટ, ઈસ્મિત સિંહ, મોહક જસવાલ, ગોમિત ચોપરા, નુપૂર સારિકા અને વિક્રાંત ચોકરનો સમાવેશ થાય છે.

ક્રુઝ પર ડ્રગ પાર્ટીનું આયોજન થવાનું છે એવી માહિતીને આધારે છેલ્લા ૧૫-૨૦ દિવસથી એનસીબી નજર રાખી રહી હતી. એનસીબી દિલ્હી સ્થિત ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની નમસક્રેના અધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે, જે કંપની કેનપ્લસ ટ્રેડિંગ પ્રા. લિ. તરીકે રજિસ્ટર્ડ છે. ઉપરાંત ક્રુઝ કંપની કોર્ડેલિયા ક્રુઝીસના અધિકારીઓને પણ પૂછપરછ કરશે.

અન્ય સમાચારો પણ છે...