તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસીઓ આવ્યા:કોરોનાનો ફેલાવો ઓછો થતા પરપ્રાંતીયોનું મુંબઈમાં આગમન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 લાખ પ્રવાસીઓ ટ્રેનો દ્વારા પરત આવ્યા

કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થવા માંડી હોવાથી તેમ જ કોરોના બાબતના પ્રતિબંધો હળવા થઈ રહ્યા હોવાથી બીજા રાજ્યોમાંથી શ્રમિકો ફરીથી મુંબઈ આવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ હજારો પરપ્રાંતીય શ્રમિકો પોતાના ગામ જતા રહ્યા હતા. મે અને જૂન મહિનામાં મુંબઈ આવેલી મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 28 લાખ પ્રવાસીઓ આવ્યા છે. એમાં સૌથી વધુ પ્રવાસીઓ મધ્ય રેલવે દ્વારા આવ્યાની માહિતી રેલવે પ્રશાસને આપી હતી.

ફેબ્રુઆરીમાં કોરોનાનો ફેલાવો વધવાથી માર્ચના અંતથી રાજ્ય સરકારે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધો લાગુ કર્યા. તેથી શ્રમિકો પોતાના કુટુંબ સહિત ગામ જવા રવાના થયા હતા. બીજા રાજ્યોમાં જતા પ્રવાસીઓની સંખ્યા ધ્યાનમાં રાખીને રેલવેએ વિશેષ શ્રમિક ટ્રેનો છોડી હતી.

લોકડાઉન હળવો થતાં જ ખોરવાયેલું અર્થચક્ર ફરીથી શરૂ થવાના ચિહ્ન દેખાતા ગામ ગયેલા શ્રમિકો, કામદારો ફરીથી મુંબઈ આવવા લાગ્યા છે. માર્ચ અને એપ્રિલમાં બીજા રાજ્યોમાંથી મુંબઈ આવનારાઓની સંખ્યા ઓછી હતી પણ મે અને જૂનથી આ સંખ્યા ધીમે ધીમે વધી રહી હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. બીજા રાજ્યો સાથે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. જો કે એનું પ્રમાણ ખૂબ ઓછું હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.

મધ્ય રેલવેમાં દરરોજ સીએસએમટી, એલટીટી, થાણે, કલ્યાણથી ઉત્તર અને દક્ષિણ ભારતથી ટ્રેનો આવે છે. દરભંગા, વારાણસી, ગોવા, ઉતરાખંડ, કેરળ, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ સહિત પશ્ચિમ રેલવેમાં જોધપુર, અમૃતસર, ગુજરાત, નવી દિલ્હી, ગોરખપુર, મુઝ્ઝફરપુર વગેરે ઠેકાણેથી મુંબઈ સેંટ્રલ, બાન્દરા ટર્મિનસ સુધી ટ્રેનો આવે છે. મે અને જૂન મહિનામાં પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં મુંબઈમાં કુલ 7, 08,956 પ્રવાસીઓ અને મધ્ય રેલવેની ટ્રેનોમાં બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં 28,26,226 પ્રવાસીઓ દાખલ થયા હતા. એમાં મુંબઈમાં લગભગ 21 લાખ પ્રવાસીઓ આવ્યા છે. મે મહિનામાં પશ્ચિમ રેલવેમાં મુંબઈ વિભાગમાં દરરોજ 15,102 પ્રવાસીઓ તથા 1 થી 10 જૂન દરમિયાન 24,000 પ્રવાસીઓ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...