ભાસ્કર વિશેષ:ભાયખલાના રાણીબાગમાં 3 નવા મહેમાનનું આગમન

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માદા રીંછ શિવાનીને નર જોડીદાર શિવા મળ્યો, ઉપરાંત દીપડાની જોડી લવાઈ

મહાપાલિકાના ભાયખલા સ્થિત રાણીબાગમાં ત્રણ નવા મહેમાનનું આગમન થયું છે. તેથી શિવાની નામની માદા રીંછને નવો નર જોડીદાર શિવા મળ્યો છે. ઉપરાંત દીપડાની જોડી પણ લાવવામાં આવી છે. નાગપુરથી આવેલા આ નવા મહેમાનના દર્શન પર્યટકો માટે બે દિવસમાં શરૂ કરવામાં આવશે એમ સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું. મહાપાલિકાના ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયમાં 9 પેંગ્વિન, 2 વાઘ, સેંકડો પ્રકારના પક્ષીઓ, હાથી, હરણ, વાંદરા, અજગર વગેરે 13 જાતના સસ્તન પ્રાણી છે. 283 પ્રજાતીના 6 હજાર 611 ઝાડ અને અન્ય વનસ્પતિ છે.

પાણીમાં વિચરતા પક્ષીઓ પણ અહીં છે. આ પ્રાણી અને પક્ષીઓને જોવા માટે દરરોજ હજારો પર્યટકો રાણીબાગની મુલાકાત લે છે. રાણીબાગમાં 9 વર્ષની માદા દીપડો પિંટુ અને 5 વર્ષનો નર દીપડો ડ્રેગન પણ છે. નવી આવેલી દીપડાની જોડીની ઉંમર અઢીથી ત્રણ વર્ષની છે. નવા મહેમાનના આગમનથી રાણીબાગનું આકર્ષણ હજી વધશે.

ચોમાસા પછી રાણીબાગમાં સિંહ અને શિયાળનું આગમન પણ થશે. ગુજરાત અને ઈંદોરના પ્રાણી સંગ્રહાલયમાંથી બંનેને એક જોડી આવશે. ઈઝરાઈલથી આવનાર ઝેબ્રાની એક જોડી માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પ્રાણીઓ માટે પિંજરા બાંધવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. દીપડો, દેશી રીંછ, શિયાળ, સાબર, એશિયાઈ સિંહ વગેરે માટે પિંજરા બાંધવાનું કામ પૂરું થયું છે અને કેટલાક પ્રાણીઓને પર્યટકો જોઈ શકે એ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

એક દિવસમાં 24 હજાર પર્યટકો
રાણીબાગની મુલાકાત લેનારા એક જ દિવસના પર્યટકોની સંખ્યા 24 હજાર પાર થઈ જતા પાંચ વર્ષનો વિક્રમ તોડ્યો છે. ઉપરાંત એક જ દિવસમાં 8 લાખ રૂપિયાનું મહેસૂલ જમા થયું છે. રજાના દિવસ સિવાય બાકીના દિવસોમાં ચારથી પાંચ હજાર પર્યટકો આવતા હતા. જો કે કોરોનાના પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા પર્યટકોની સંખ્યા દરરોજના 10 હજાર પર પહોંચી રહી છે એમ ડો. ત્રિપાઠીએ ઉમેર્યું હતું.

પેંગ્વિન આવ્યા પછી આવકમાં વધારો
દેશના એકમાત્ર પેંગ્વિન સફારી માટે મુંબઈ સહિત દેશવિદેશના પર્યટકો ખાસ રાણીબાગની મુલાકાત લે છે. એના લીધે રાણીબાગની આવક ત્રણ વર્ષમાં છ ગણી વધી છે. પેંગ્વિન આવ્યા પહેલાં એપ્રિલ 2014થી માર્ચ 2017ના સમયગાળામાં રાણીબાગની આવક ફક્ત 2.10 કરોડ રૂપિયા હતી. પેંગ્વિનના આગમન પછી એપ્રિલ 2017થી માર્ચ 2020ના સમયગાળામાં આવક 14.36 કરોડ રૂપિયા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...