મુંબઈની ફિલ્મસિટીમાં અનેક નવોદિત યુવક અને યુવતીઓ પોતાનું નસીબ અજમાવવા આવે છે. અનેક જણને તક મળે છે પણ મોટા ભાગના લોકોના ફાળે નિરાશા આવે છે. એટલા માટે કેટલાક લેભાગુઓ યુવક અને યુવતીઓની આવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે.
મુંબઈના મલાડમાં તાજેતરમાં આવું એક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. ફિલ્મમાં કામ આપીશ એમ જણાવીને પોતાને દિગ્દર્શક તરીકે ઓળખાવતો ઠગ નવોદિત અને અભિનય કરવા ઉત્સુક છોકરીઓના અર્ધનગ્ન ફોટા પાડતો અને પછી એને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતો. પોલીસે ઓમપ્રકાશ તિવારી નામના આ ઠગને હથકડી પહેરાવી હતી.
ઓમપ્રકાશ પોતાની ઓળખાણ બોલીવુડમાં મોટો દિગ્દર્શક તરીકેની આપતો. સોશિયલ મીડિયામાં પ્રોફાઈલ બનાવીને યુવતીઓની છેતરપિંડી કરતો હતો. તિવારી યુવતીઓને વેબસીરિઝ અને ફિલ્મમાં કામ અપાવું છું, બોલીવુડમાં મારી ઘણી ઓળખાણ છે એમ જણાવતો. પણ હકીકતમાં એ નોકરનું કામ કરતો હતો. ઉપરાંત એણે અનેક ફિલ્મોમાં નાના રોલ કર્યા છે અને ફિલ્મોના સેટ પર કામ કર્યું છે.
પોતાના આ કામનો ફાયદો એણે લીધો અને એક બંગાળી અભિનેત્રી સાથે સોશિયલ મીડિયા દ્વારા મૈત્રી કરી. આ અભિનેત્રીને વેબસીરિઝમાં કામ અપાવું છું એમ જણાવીને મુંબઈ બોલાવી. ઓડિશનના નામ પર એના અર્ધનગ્ન ફોટા કાઢ્યા. એ પછી આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ એવી ધમકી આપી અને એની પાસેથી રૂપિયા પડાવ્યા.
આ પ્રકરણે અભિનેત્રીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. એની ફરિયાદ અનુસાર પોલીસે આઈપીસી 345એ, બી, 67એ અનુસાર ગુનો દાખલ કરીને આરોપીની અડતાલીસ કલાકમાં ધરપકડ કરી હતી. આ કથિત દિગ્દર્શકની જાળમાં ફસાઈને મુંબઈ આવેલી બંગાળી અભિનેત્રી મૂળ કોલકાતાની છે. અત્યારે કોરોના અને લોકડાઉનના કારણે એને કામ મળતું નહોતું. તેથી એ કામની શોધ કરી રહી હતી. એવામાં એ આરોપી ઓમપ્રકાશ તિવારીના સંપર્કમાં આવી અને એની જાળમાં ફસાઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.