કાર્યવાહી:ભારતમાં અનધિકૃત રીતે વસવાટ કરતા બંગલાદેશીની ધરપકડ કરી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ATSએ તુરંત પગલાં લઈ દિલ્હીથી પકડ્યો

મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહીમાં બોગસ ભારતીય દસ્તાવેજો પર દેશવિદેશમાં પ્રવાસ કરી રહેલા અનધિકૃત બંગલાદેશી નાગરિકની દિલ્હીમાં જઈને ધરપકડ કરી છે. આરોપીને મુંબઈ લાવીને તેના વિશે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીને ઈરશાદ શહાબુદ્દીન શેખ (૩૩) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે બંગલાદેશના નોઆખલી જિલ્લાના કબીરહાટ પોલીસ સ્ટેશન પોસ્ટ કલામુનશી બજારમાં માલીપોડા ગામનો રહેવાસી છે. તેની પર એટીએ લાંબા સમયથી નજર રાખીને હતી.

તેણે બોગસ ભારતીય દસ્તાવેજોને આધારે જારી ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો, જેને આધારે તે દેશવિદેશમાં ફરતો હતો. એટીએસને શુક્રવારે માહિતી મળી હતી કે શેખ બોગસ ભારતીય પાસપોર્ટ પર શારજાહ, યુએઈથી નવી દિલ્હીમાં આવી રહ્યો છે. આ જાણકારી મળતાં જ મુંબઈથી નવી દિલ્હી જતી પહેલી જ ફ્લાઈટમાં એક ટીમ પહોંચી હતી અને શક્ય તેટલા ઓછામાં ઓછા સમયમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને આરોપીની ધરપકડ કરી હતી.

તેને શનિવારે સવારે મુંબઈમાં લાવીને સ્થાનિક કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં તેને ૮ ઓક્ટોબર સુધી એટીએસ કસ્ટડી આપવામાં આવી છે.આરોપીએ ભારતીય પાસપોર્ટ કઈ રીતે પ્રાપ્ત કર્યો, તે કેવી ગતિવિધિઓમાં સંકળાયેલો છે, તેની આતંકવાદી સંગઠન સાથે કોઈ કડી છે કે કેમ, મુંબઈમાં તેના અન્ય કોઈ સાગરીતો છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ એટીએસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...