ધરપકડ:TET ગોટાળામાં રાજ્ય પરીક્ષા વિભાગના અધ્યક્ષની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુપેને કોર્ટમાં હાજર કરાયો - Divya Bhaskar
સુપેને કોર્ટમાં હાજર કરાયો
  • પેપર લીકનો રેલો 20 જિલ્લામાં: TET ગોટાળામાં 4.5 કરોડ ભેગા કર્યનો અંદાજ છે

આરોગ્ય વિભાગ અને મ્હાડાના પેપર લીક પ્રકરણ ગાજી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા વિભાગના અધ્યક્ષ તુકારામ સુપેની પુણે પોલીસે શુક્રવારે સવારે ધરપકડ કરતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને આ બે પ્રકરણની તપાસ ચાલતી હતી તેમાં જ આ નવું કૌભાંડ બહાર આવ્યું છે.

સુપે સાથે અન્ય એકની પણ ધરપકડ કરાઈ છે. સુપે પર શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ - ટીઈટી) ગોટાળામાં સંડોવણી બહાર આવી છે. આ પરીક્ષા જાન્યુઆરી 2020માં યોજાઈ હતી. પોલીસે ગુરુવારે સાંજે સુપેને કબજામાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. રાતભર તેની પૂછપરછ કર્યા પછી શુક્રવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસની સાઈબર સેલ દ્વારા તેને શિવાજીનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને રિમાંડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

દરમિયાન સુપે અને અન્ય એકના ઘરની તલાશી લેતાં રૂ. 88 લાખની રોકડ, સોનું, એફડી મળી આવ્યાં છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા મહાટીઈટી અને સ્કોલરશિપની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. બી.એડ અને ડી.એડ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓની શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) લેવામાં આવે છે. સુપેની ધરપકડ બાદ ટીઈટી પરીક્ષામાં મોટો ગોટાળો સામે આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે મ્હાડા પેપર લીક ગોટાળામાં ધરપકડ આરોપી પ્રીતિશ દેશમુખના ઘરે દરોડા પાડતાં ટીઈટી પરીક્ષાનું ઓળખપત્ર મળી આવ્યું હતું. આ પરથી પુણે પોલીસને ટીઈટી પરીક્ષામાં પણ ગોટાળો થયો હોવાની માહિતી મળી હતી. પ્રીતિશ પુણેની જી.એ. ટેકનોલોજી નામે કંપનીનો હેડ છે. જી.એ. ટેકનોલોજી કંપની પાસે ઉમેદવારોની હોલ ટિકિટ જારી કરવા, પેપર પ્રિંટ કરવા, પરીક્ષા આયોજિત કરવા, પેપર એકત્ર કરવા, તેને સ્કેન કરવા અને પરિણામો ઘોષિત કરવાની જવાબદારી છે.

20 જિલ્લાની ભરતી પ્રક્રિયા પર શંકા : આ કંપની પર મહારાષ્ટ્રના 20થી વધુ જિલ્લામાં અનેક ભરતી પ્રક્રિયા સંચાલિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રીતિશની ધરપકડ પછી હવે તેની કંપની દ્વારા સંચાલિત બધી જ પરીક્ષાઓ શંકાના ઘેરામાં આવી ગઈ છે.

કૌભાંડમાં પોલીસને મોટી કડી મળી : પ્રીતિશ પેપર લીક કરતો હતો. આ પ્રકરણની તપાસ દરમિયાન પુણે પોલીસને સુપે સાથે તેના સંબંધ હોવાનું મળી આવ્યું છે. આ પરથી કલાકો સુધી સુપેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.

~ 35,000થી 1 લાખ લેવાતા હતાં
ઉમેદવારો પાસેથી તેમની હેસિયત પ્રમાણે રૂ. 35,000થી રૂ. 1 લાખ લેવાતા હતા. ઉપરાંત વધુ એક પરીક્ષા આપવી પડે છે. તે મુજબ પૈસા લેવામાં આવતા હતા. આ રીતે આરોપીઓએ રૂ. 4.50 કરોડ ભેગા કર્યા છે. હજુ ચાર જણની ધરપકડ કરવાના પ્રયાસ ચાલુ છે, એમ અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.

મોડસ ઓપરેન્ડી શું હતી
પરીક્ષા લીધા પછી અમુક ઉમેદવારોને સીટ નંબર લખશો નહીં એમ કહેવાતું હતું. સ્કેનિંગ કરતી વખતે તે નંબર લખવામાં આવતો હતો. જો કોઈ રહી ગયું હોય તો તેને પેપર ફરી તપાસવા માટે આપો એવું કહેવાયું અને તે પછી તેમાં ફેરફાર કરવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...