મુંબઈ પોલીસે અલગ અલગ કામગીરીમાં ધારાવી અને અંધેરીથી લગભગ રૂ. 90 લાખનાં ડ્રગ્સ સાથે તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે પરોઢિયે વિશ્વસનીય માહિતીને આધારે ધારાવી કોલીવાડા બેસ્ટ બસ સ્ટોપની બાજુમાં, રાજીવ ગાંધીનગર ખાતે છટકું ગોઠવીને બે તસ્કરોને રૂ. 60.75 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા. આરોપીઓએ મુંબઈ શહેર અને ઉપનગરોમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા એવી કબૂલાત કરી છે.
આરોપીમાં સુનીલ શિશુપાલ નાયક (45) રાજસ્થાનના ઝુઝુનુ જિલ્લાનો વતની છે, જ્યારે નેવાજી અલીમન મિયા (60) બિહારના ચંપારણનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.બીજા કેસમાં શનિવારે સવારે આઝાદનગર મેટ્રો સ્ટેશન નજીક, ગણેશનગર, જે પી રોડ અંધેરી પશ્ચિમમાં છટકું ગોઠવીને નાઈજીરિયન નાગરિક ઓલીવર ડિબા નિકી (42)ની ધરપકડ કરી હતી.
મીરા રોડમાં ભાડા પર રહેતા આરોપી પાસેથી એમડી અને કોકેઈન નામે રૂ. 30.20 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીન રેકોર્ડ તપાસતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા પણ તેને 2020માં ડ્રગ્સ કેસમાં ઝડપી લેવાયો હતો. તે જામીન પર બહાર આવતાં જ ફરીથી ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યો હતો એવું તપાસમાં બહાર આવ્યું હતું. તેને રિમાંડ પર લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.