ભૂલેશ્વરમાં છેલ્લાં 17 વર્ષથી સપન પાપડવાલા એન્ડ જનરલ સ્ટોર્સ ચલાવતા વેપારી સાથે રૂ. 44.51 લાખની છેતરપિંડી કરવા સંબંધે એલટી માર્ગ પોલીસે નોકર રિતલાલપ્રસાદ જગદીશ મહતો (વર્મા) (38)ની ધરપકડ કરી છે.વેપારી સપન રઘુનાથ સાહુએ માળના મકાનમાં ફરસાણ, પાપડ, ડ્રાય ફ્રૂટ, મીઠાઈની લેવેચ કરે છે અને 15 કામગાર કામ કરે છે. તેમાંથી આરોપી ત્રણ વર્ષથી નોકરી કરતો વર્મા વિશ્વાસુ હોવાથી ખરીદી સામે ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને બિલ આપવા અને રાત્રે પૈસા વેપારી પાસે જમા કરાવવા એ રીતની જવાબદારી સંભાળતો હતો. જોકે છેલ્લા થોડા મહિનાથી આવક ઓછી આવતી હોવાની શંકા ગઈ હતી.આથી વેપારીએ સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. તેમાં એવું જણાયું કે વર્માએ એક ગ્રાહક પાસેથી ખરીદી સામે રૂ. 5000 લીધા પછી પોતાના ખિસ્સામાં સેરવી દીધા હતા. વેપારીએ તેને બોલાવીને ઠપકો આપતાં તેણે માફી માગી હતી. વેપારીએ મોટું મન રાખીને તેને ફરી આવું નહીં કરવાની ચેતવણી આપીને નોકરીમાં રાખી લીધો હતો. જોકે બીજા દિવસે આરોપી ભાગી ગયો હતો. આથી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીનું યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતું તપાસતાં તેમાં 2017થી મોટે પાયે તેના ખાતાંમાં રકમ કરવામાં આવતી હતી એવું જણાયું હતું. ફક્ત રૂ. 17,000નો માસિક પગાર હોવા છતાં હજારો રૂપિયા તે જમા કરતો હતો તેની તપાસ કરતાં તેણે હિસાબમાં મોટા ગોટાળા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. 7 જાન્યુઆરીના તેને ઝવેરીબજારમાંથી ઝડપી લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.