ધરપકડ:નકલી TRP કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા રિપબ્લિક ટીવીના CEOની ધરપકડ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિલ્લા કોર્ટમાં હાજર કરાતાં 15 ડિસેમ્બર સુધી રિમાંડ આપવામાં આવ્યા

નકલી ટીઆરપી કેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની રવિવારે ધરપકડ કરી હતી. વિકાસને કિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જયાં પોલીસે 14 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી હતી. રિપબ્લિક ટીવીએ એક નિવેદનમાં જણાવ્યું કે મુંબઇ પોલીસે વિકાસ ખાનચંદાનીની રવિવારે સવારે 8:30 વાગ્યે તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. ધરપકડ સમયે વોરંટ નહોતું, પરંતુ તે પછી તેમના પત્નીને 11:55 વાગ્યે વ્હોટ્સએપ દ્વારા વોરન્ટની નોટિસ મોકલી હતી.

રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે અત્યાર સુધીમાં જુદા જુદા દિવસે 100 કલાકની પૂછપરછ કરી હતી અને કેટલાક દસ્તાવેજો પણ જમા કરાવ્યા હતા. ખાનચંદાનીની આ કેસમાં મુંબઇની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીની સોમવારે સુનાવણી થાય એ પહેલાં જ પોલીસે સવારે તેમના નિવાસસ્થાનથી કોઈ પણ જાતના સમન્સ વગર ધરપકડ કરી હોવાનો આરોપ રિપબ્લિક ચેનલ તરફથી કરવામાં આવ્યો હતો.આ પહેલાં આ કેસમાં રિપબ્લિકના ડિસ્ટ્રિબ્યુશન હેડ (વિતરણ) ઘનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટે જામીન આપ્યા હતા.

મુંબઇ પોલીસે 10 નવેમ્બરના રોજ તેમની ધરપકડ કરી હતી. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પૂછપરછ દરમિયાન પોલીસે તેમને ત્રાસ આપ્યો હતો. અગાઉ રિપબ્લિક મિડિયા નેટવર્ક દ્વારા મુંબઈ હાઈ કોર્ટ દ્વારા વચગાળાની અરજી દાખલ કરવામાં આવી હતી કે કસ્ટડીમાં પટ્ટાથી સિંહને માર મારવામાં આવ્યો હતો.મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિના પહેલાં આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો, જેમાં રિપબ્લિક ચેનલ સહિત અન્ય ચેનલોનાં નામ લીધાં હતાં, પરંતુ નકલી ટીઆરપી કેસના ફરિયાદી હંસા રીસર્ચે આ કેસમાં રિપબ્લિક ટીવીની સામે ફરિયાદ નહીં હોવાનુ઼ં કહ્યું હતું અને હાઇ કોર્ટમાં હંસા ગ્રુપે મુંબઇ પોલીસ પર તેની પર અમુક ચેનલોનાં નામ લેવા માટે દબાણ ર્ક્યું હોવાનો આરોપ કર્યો હતો.

રિપબ્લિક મિડિયા નેટવર્કના ચીફ એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામીએ કહ્યું કે, મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે રિપબ્લિક ટીવી પર ખોટા આક્ષેપો કર્યા છે, કેમ કે અમે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સુશાંત કેસ મુંબઈ પોલીસ કમિશનરની તપાસ હેઠળ છે. પાલઘર કેસ હોય, સુશાંત કેસ હોય કે અન્ય કોઈ કેસ, રિપબ્લિક ટીવી દ્વારા રિપોર્ટ કરવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે (બીએઆરસી) તેના કોઈ પણ અહેવાલમાં રિપબ્લિક ટીવીનો ઉલ્લેખ કર્યો નથી.

આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 1400 પાનાંની ચાર્જશીટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ શર્મા સહિત 12 આરોપીઓનાં નામ આપવામાં આવ્યાં છે. ચાર્જશીટમાં ઓડિટર્સ અને ફોરેન્સિક નિષ્ણાતો સહિત 140 જણની સાક્ષી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...