કાર્યવાહી:મુંબઈના રેલવે સ્ટેશનમાં પ્રેમિકાનું ગળુ ચીરનારા યુવકની ધરપકડ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજા કોઈ વ્યક્તિ સાથે તેનો સંબંધ હોવાની ભૂતપૂર્વ પ્રેમીને શંકા હતી

મુંબઈના ડોક્યાર્ડ રોડ રેલવે સ્ટેશનમાં એક 23 વર્ષીય યુવકે એક મહિલાનું ગળુ ચીર્યું હતું. આ યુવકની પોલીસે નવી મુંબઈથી ધરપકડ કરી હતી. આ ઘટના સમયસર એક અધિકારીના ધ્યાનમાં આવવાથી એણે મહિલાનો જીવ બચાવ્યો હતો પણ હજી એની તબિયત ગંભીર છે. આ ઘટના રેલવે સ્ટેશનના સીસી ટીવીમાં રેકોર્ડ થઈ હતી. આ ઘટના પછી ફક્ત 48 કલાકમાં આરોપી મોહિત આગળેની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા 21 વર્ષની યુવતી છે અને એને ચાર વર્ષની પુત્રી છે. આ મહિલાનું બીજા કોઈ સાથે પ્રેમસંબંધ હોવાની શંકા થવાથી હુમલો કર્યો એવી કબૂલાત આરોપીએ કરી હતી.

ઉપરાંત આ હુમલો પૂર્વનિયોજિત હોવાનું તેણે જણાવ્યું હતું. પીડિત યુવતી અને આરોપી પુણેના તળેગાવ ભાગમાં પડોશી છે. અઢી વર્ષની ઓળખાણ પછી બંનેના એકબીજા સાથે નજીકના સંબંધ હતા. જોકે વારંવાર થતા ઝઘડાને કારણે યુવતીએ આરોપી સાથે સંબંધ તોડ્યો હતો અને મુંબઈમાં શિવરી ખાતે રહેતા સગાસંબધીના ઘરે ચાર મહિનાથી રહેવા આવી હતી. આરોપી એને વારંવાર ફોન કરતો પણ એ જવાબ ન આપતી. એક વખત ફોન ઉંચક્યો ત્યારે આરોપીએ એને વડાલા રેલવે સ્ટેશનમાં મળવાની વિનંતી કરી હતી. આખરે 1 જાન્યુઆરીના યુવતી બુરખો પહેરીને એને મળવા આવી હતી.

એની સાથે પુત્રી પણ હતી. મોહિતે એને ફરીથી પોતાની સાથે સંબંધ જોડવા વિનંતી કરી પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. વડાલા રેલવે સ્ટેશનથી લોકલ પકડીને યુવતી નીકળી પણ આરોપીએ પીછો કર્યો હતો અને ડોક્યાર્ડ રોડ સ્ટેશનમાં ઉતરવા ફરજ પાડી. સાંજે સાડા સાત વાગ્યે યુવતી ટિકિટ બુકિંગ ઓફિસ નજીકની સ્ટીલની બેન્ચ પર બેઠી હતી. એના ખોળામાં પુત્રી બેઠી હતી.

ટ્રેનના ડબ્બામાં શરૂ થયેલ વિવાદ ડોક્યાર્ડ રોડ સ્ટેશનમાં પણ ચાલુ રહ્યો. યુવતીનું ધ્યાન ન હોવાની તક જોઈને આરોપીએ પોતાની પાસેના રેઝરથી એનું ગળુ ચીર્યું હતું. યુવતીએ બુમાબુમ કરતા મધ્ય રેલવેનો બુકિંગ ક્લાર્ક અને મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાન દોડી આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપીને યુવતીને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એની તબિયત ગંભીર છે. પોલીસે યુવતીના કુટુંબીઓનો સંપર્ક સાધીને પુત્રી તેમના તાબામાં સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...