તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ઠાકરે અચાનક ચીફ જસ્ટિસને મળવા પહોંચી જતાં તર્કવિતર્ક

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મંત્રીના નિર્ધારિત કાર્યક્રમોમાં પણ આ મુલાકાતનો ઉલ્લેખ નહોતો

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે મુંબઈ હાઇ કોર્ટમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને શુક્રવારે અચાનક મળવા ગયા હતા. આ અંગેનું કારણ જણાવાયું નહોતું, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો પ્રશ્ન સળગી રહ્યો છે તે અંગે ચર્ચા કરવા ગયા હોઈ શકે છે. આ સિવાય રાજ્યની કોરોના પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. જોકે અચાનક મુલાકાતથી રાજકીય તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.

ઠાકરે રાજ્યના એડવોકેટ જનરલ અભિષેક કુંભકોણી સાથે ગયા હતા. મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ પણ તેમની સાથે હતા એવું જાણવા મળ્યું હતું. સવારે 11.30 વાગ્યે આ મુલાકાત થઈ હતી. પ્રોટોકોલ મુજબ ચીફ જસ્ટિસ, મુખ્ય મંત્રી અથવા અન્ય કોઈ મંત્રીને મળી શકતા નથી. જોકે મુખ્ય મંત્રી પ્રોટોકોલ મુજબ ચીફ જસ્ટિસને મળી શકે છે. બંને વચ્ચે અડધા કલાકથી વધુ સમય ચર્ચા ચાલી હતી અને આ ચર્ચા શેના માટે હતી તેનું કારણ જાહેર કરાયું નહીં હોવાથી તર્કવિતર્ક લગાવવામાં આવતા હતા.

અચાનક કાર્યક્રમ બદલાતા પોલીસમા દોડધામ : ઠાકરેનાં શુક્રવારે સત્તાવાર બે મુખ્ય કામ હતાં. સવારે 11.30 વાગ્યે મહાત્મા બસવેશ્વરની જન્મતિથિ નિમિત્તે સત્તાવાર વર્ષા નિવાસસ્થાને પુષ્પાહાર અર્પણ કરવાનો અને બપોરે 1.30 વાગ્યે ઉસ્માનાબાદમાં શુગર ફેક્ટરીને ઓક્સિજન નિર્મિતી પ્લાન્ટમાં ફેરવાયું તેના ઓનલાઇન ઉદઘાટનનો કાર્યક્રમ હતો. જોકે બસેશ્વરની પુષ્પાંજલી પછી ટીમ સીધી કોર્ટમાં પહોંચતાં કોર્ટ સ્ટાફ અને પોલીસની દોડધામ થઈ હતી.

કોરોના રસીકરણ અંગે ચર્ચા?
બેઠક દરમિયાન ઠાકરે અને ચીફ જસ્ટિસ વચ્ચે કોરોના રસીકરણ અંગે ચર્ચા થઇ હોય તેવી સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસથી કોર્ટમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આથી મુખ્ય મંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હોઈ શકે.

મરાઠા અનામત અંગે ચર્ચા?
દરમિયાન એમ કહેવામાં આવે છે કે આ બેઠક દરમિયાન ઠાકરેએ ચીફ જસ્ટિસ સાથે મરાઠા અનામત અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં મરાઠા અનામત માટે કયા કાનૂની વિકલ્પો છે તે વિશે ચર્ચા થયાની સંભાવના છે. જોકે તેને વિધિસર પુષ્ટિ મળી નહોતી.

અન્ય સમાચારો પણ છે...