કામગીરી:ટાટા મિલમાં 1600 મીમી ભૂમિગત પાઈપલાઈન મંજૂર

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 350 મીટર લાંબી પાઈપલાઈન માટે રૂ. 8.56 કરોડ ખર્ચ

હિંદમાતા વિસ્તારમાં ચોમાસામાં જમા થતાં પાણીનો નિકાલ કરવા માટે મહાપાલિકા દ્વારા ત્રણ ભૂમિગત ટાંકીઓ બાંધવાનું નક્કી કર્યું છે, જે પાણી વહન કરવા માટે 1600 મીમી વ્યાસની ડ્રેન પાઈપલાઈન નાખવાનું જરૂરી હતું, પરંતુ ટાટા મિલની જગ્યામાંથી ભૂમિગત પાઈપલાઈન નાખવા માટે નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ની પરવાનગી જરૂરી હતી, જે મહાપાલિકાને આપવામાં આવતાં આ કામનો માર્ગ મોકળો બની ગયો છે.ચોમાસામાં પૂર જેવી સ્થિતિ રોકવા માટે હિંદમાતા ખાતે ભૂમિગત પાણીની ટાંકીઓ બાંધવામાં આવી રહી છે. આ ટાંકીઓને કારણે ચોમાસાનું પાણી રોકવામાં મદદ થવાની છે. આ ટાંકીમાંથી પાણીનું વહન કરવા પાણીની પાઈપલાઈન નાખવા ટાટા મિલની જગ્યાનો ઉપયોગ કરવા મહાપાલિકાને રૂ. 8.58 કરોડ એનટીસીએલને ચૂકવવાના રહેશે.

એનટીસીએલે 1600 મીમી વ્યાસની પાઈપલાઈન નાખવા પરવાનગી આપી છે. તેની પહોળાઈ ત્રણ મીટરની રહેશે અને લંબાઈ 350 મીટર રહેશે. હિંદમાતા વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેથી અહીં સ્થાનિકો, દુકાનદારો પરેશાન છે. હાલમાં તાઉતે વાવાઝોડા વખતે પણ આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આથી વરસાદનું પાણી રોકવા માટે અહીં ત્રણ વિસ્તારમાં ભૂમિગત ટાંકીઓ બાંધવામાં આવી રહી છે.

મહાપાલિકાને રૂ. 135 કરોડનો ખર્ચ : પ્રમોદ મહાજન પાર્કની ટાંકીમાં 60,000 ઘનમીટર પાણી જમા થઈ શકશે, ઝેવિયર્સ મેદાનની ટાંકીમાં 30,000 ઘનમીટર જમા થઈ શકશે. આ ટાંકીઓ પર મહાપાલિકા રૂ. 135 કરોડ ખર્ચ કરશે.

650 મીટરની ડ્રેન પાઈપલાઈન
ઝેવિયર્સ મેદાનમાં ભૂમિગત ટાંકી બાંધવામાં આવી રહી છે. આ પાણી પરેલથી દાદર પશ્ચિમમાં સ્વ. પ્રમોદ મહાજન ઉદ્યાનમાં લાવવામાં આવશે. અહીં પણ ભૂમિગત ટાંકી બાંધવામાં આવી છે. આથી હિંદમાતાથી પ્રમોદ મહાજન પાર્કના 650 મીટર અંતર સુધી ડ્રેન પાઈલાઈન નાખવાનું આવશ્યક છે, જે માટે પરવાનગી મળી ચૂકી છે, એમ એડિશનલ કમિશનર પી. વેલરાસૂએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...