નિયુક્તિ:નાગરિકોની અનેક ફરિયાદો બાદ ખાડાઓ પૂરવા માટે 24 સંયુક્ત ટીમોની નિયુક્તિ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • { સર્વ વોર્ડ કાર્યાલય અને રસ્તા વિભાગની મદદથી ખાડા પૂરાશે

મહાપાલિકાની હદમાં રસ્તા પર ખાડાઓની સમસ્યાથી નાગરિકો પરેશાન છે. અનેક ફરિયાદો બાદ આખરે પ્રશાસન જાગ્યું છે અને શહેરના બધા 24 પ્રશાસકીય વોર્ડ અનુસાર સંયુક્ત ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે. વોર્ડ કાર્યાલય અને રસ્તા વિભાગની ટીમોનો તેમાં સમાવેશ થાય છે. આ ટીમો ખાડા બુઝાવવાનાં કામકાજમાં યોગ્ય સમન્વય સાધશે. દરમિયાન મહાપાલિકા દ્વારા 1 એપ્રિલ, 2021થી 11 સપ્ટેમ્બર, 2021 વચ્ચે કુલ 33,156 ખાડા બુઝાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

આ માટે વરલી સ્થિત એસ્ફાલ્ટ પ્લાન્ટ ખાતે નિર્માણ કરાયેલું 2750 મેટ્રિક ટન કોલ્ડમિક્સ 24 વોર્ડ કાર્યાલયમા વિતરણકરવામાં આવ્યું છે. તેમાંથી હમણાં સુધી વોર્ડ કાર્યાલયમાં ઉપલબ્ધ કામગારો થકી 24,030 ખાડા બુઝાવવામાં આવ્યા છે, જ્યારે ખાડા બુઝાવવા માટે નિયુક્ત કરેલી ઠેકેદારો પાસેથી 24 વોર્ડમાં 9126 ખાડા બુઝાવવામાં આવ્યા છે. ઉપરાંત પ્રકલ્પના રસ્તા અને દોષ દાયિત્વ સમયગાળામાં રહેલા રસ્તા સંબંધિત નિયુક્ત ઠેકેદારો પાસેથી ટેન્ડરના નિયમો અને શરતો અનુસાર મર્યાદિત સમયમાં અને વિનામૂલ્ય બુઝાવવામાં આવે છે.

આ ખાડા બુઝાવવા માટે મહાપાલિકા દ્વારા કોઈ આર્થિક મહેનતાણું અપાતું નથી, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું. ડામરના રસ્તા (એસ્ફાલ્ટ રોડ)માં બિટુમનના ગુણધર્મ અનુસાર ચોમાસામાં પાણીના સંપર્કને લીધે ખાડાઓ પડવા તે નિત્ય પ્રક્રિયા છે. આ ધ્યાનમાં આવતાં ખાડાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તબક્કાવાર રસ્તાઓનું સિમેન્ટ- કોન્ક્રીટીકરણ કરવામાં આવી રહ્યું છે. આથી ભવિષ્યમાં મહત્તમ રસ્તાઓ સિમેન્ટ- કોન્ક્રીટના બનીને ખાડાઓની સમસ્યા ઓછી થશે, એવો દાવો પણ કરવામાં આવ્યો છે.

મહાપાલિકાનો દાવો ખોટોઃ ભવાનજી
દરમિયાન મુંબઈના ભૂતપૂર્વ ઉપ-મેયર બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા હજારો ખાડાઓ બુઝાવવાનો દાવો કરવામાં આવ્યો છે. મહાપાલિકાના કર્મચારીઓ અને ઠેકેદારો દ્વારા આ ખાડાઓ બુઝાવવામાં આવ્યા છે. જોકે તે છતાં મુંબઈના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોઈને મહાપાલિકાનો દાવો હાસ્યાસ્પદ છે એવું કોઈ પણ કહી શકે છે. મહાપાલિકા દ્વારા ખાડાઓ માટે ઉપાયો અને તે બુઝાવવા માટે શહેરના 24 વોર્ડમાં દર વર્ષે રૂ. 48 કરોડ ખર્ચ કરવામાં આવે છે. છતાં રસ્તાઓની હાલત બિસ્માર છે.

ગણેશોત્સવના આગમન છતાં એસ વી રોડ, લિંક રોડ, એક્સપ્રેસવે અને અંદરના રસ્તાઓ પર અનેક ખાડાઓ દેખાય છે. મેયર અને મહાપાલિકા કમિશનર મુંબઈને ખાડામુક્ત કરવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ ભલીવાર નથી. છેલ્લા ત્રણ મહિનામાં ખાડા ભરવા માટે મહાપાલિકા દ્વારા રૂ. 350 કરોડનો ખર્ચ કરાયો છે. તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, એમ પણ ભવાનજીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...