સમીર ખાન પ્રકરણ:NCBની મલિકના જમાઈના અવાજના નમૂના લેવા અરજી

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કેસની તપાસ હવે એનસીબીની એસઆઈટીની ટીમ કરી રહી છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસ, નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું ડ્રગ્સ પ્રકરણ અને અન્ય ચાર પ્રકરણની નવેસરથી તપાસ શરૂ કરવામાં આવી હોઈ એનસીબીએ શનિવારે એનડીપીએસ કોર્ટમાં સમીર ખાન કેસ સંબંધમાં એક અરજી કરી છે. અરજીમાં કરેલી વિનંતી જોતાં સમીર ખાનની મુશ્કેલી વધવાની શક્યતા છે. સમીર ખાન રાજ્યના અલ્પસંખ્યાક મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકનો જમાઈ છે.

સમીર ખાન પ્રકરણમાં હવે એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને અહીંના અન્ય અધિકારીઓને બદલે દિલ્હીના અધિકારીઓની એસઆઈટી તપાસ કરી રહી છે. આથી સંપૂર્ણ પ્રકરણની નવેસરથી તપાસ શરૂ કરવામાં આવી છે. આના જ ભાગરૂપે સમીર ખાન અને અન્ય બે જણ અવાજના નમૂના એસઆઈટીને આપવાના છે. આ માટે એનસીબી પાસેથી શનિવારે વિશેષ એનડીપીએસ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ પરવાનગી મળતાં ત્રણેયના અવાજના નમૂના લઈને આગામી તપાસ કરવામાં આવશે.

દરમિયાન ડ્રગ્સ પ્રકરણમાં સમીર ખાન અને બ્રિટિશ નાગરિક કરન સજનાનીની આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસે મોટે પાયે સીબીડી અને ગાંજો મળી આવ્યો હોવાનો એનસીબીનો દાવો હતો. તેમાંથી કુલ 18 નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 11 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એનસીબીની તપાસમાં સમીર ખાન અને કરન સજનાનીની વોઈસ ચેટની તપાસ કરવામાં આવી હતી. અમુક અવાજના નમૂના ભેગા કરીને તેની પણ તપાસ કરવામાં આવી હતી. હવે આગામી તપાસ માટે અવાજના નમૂના નવેસરથી તપાસવા પડવાના હોઈ તે માટે જ એનસીબીએ કોર્ટમાં અરજી કરી છે. આ પ્રકરણમાં અગાઉની તપાસ ટુકડીએ ચાર્જશીટ દાખલ કર્યું છે. સમીર ખાન અને કરન સજનાનીનો જામીન પર છુટકારો પણ થયો છે. આથી હવે નવેસરથી તપાસ શરૂ થયા પછી આગામી સમયમાં ઘણી બધી ઊથલપાથલ મચવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...