ગૂડ ન્યૂઝ:86.64 ટકા મુંબઈગરામાં કોવિડ સામે લડવા એન્ટીબોડીઝ વધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ બાદ 85.07% પુરુષોની તુલનામાં 88.29 %મહિલાઓમાં એન્ટીબોડીઝ મળી આવી

કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેરની શક્યતાની વાતો ચાલી રહી છે ત્યારે મુંબઈ માટે ગૂડ ન્યૂઝ છે. મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલા પાંચમા સેરા- સર્વેમાં કોવિડ-19 સામે લડવા માટે આવશ્યક એન્ટીબોડીઝ (ઈમ્યુનિટી) 86.64 ટકા નાગરિકોની વધી છે. પુરુષોમાં 85.07 ટકાની તુલનામાં મહિલાઓમાં તે 88.29 ટકા વિકસી છે.આમાંથી 90.26 ટકા નાગરિકોએ રસી લીધી છે, જ્યારે 79.86 ટકાએ લીધી નથી અથવા એક રસી લીધી છે.

વળી, ઝૂંપડપટ્ટીઓ અને ઈમારતી વિસ્તારોમાં ગત સર્વેની તુલનામાં એન્ટીબોડીઝનું પ્રમાણ વધ્યું છે.સેરો સર્વેમાં લોહીના નમૂના લઈને તેમાંથી એન્ટીબોડીઝ અસ્તિત્વમાં છે કે નહીં તેનો અભ્યાસ કરાયો હતો. મહાપાલિકા દ્વારા હમણાં સુધી ત્રણ વાર સેરો સર્વે કરાયો છે. એક વાર બાળકો પર કરાયો છે. પાંચમો સર્વે 12 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે કરાયો હતો. મહાપાલિકાનો જાહેર આરોગ્ય વિભાગ, સાયન હોસ્પિટલ અને એટીઈ ચંદ્રા ફાઉન્ડેશન તથા આઈડીએફસી ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત સહયોગથી સર્વે કરાયો હતો, જેમાં અડસટ્ટે પદ્ધતિથી 18થી વધુ ઉંમરના નાગરિકોના નમૂના લેવાયા હતા.

સર્વ 24 વોર્ડમાં 8674 નાગરિકના લોહીના નમૂના તપાસવામાં આવ્યા હતા. રસી લેનારમાં વધુ એન્ટીબોડીઝ : 86.64 ટકા નાગરિકોમાં એન્ટીબોડીઝમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 87.02 ટકા, જ્યારે ઈમારત વિસ્તારમાં 86.22 ટકા નાગરિકોમાં એન્ટીબોડીઝ મળી આવ્યા છે. સર્વે કરાયેલા નાગરિકોમાં 65 ટકાએ રસી લીધી હતી, જ્યારે બાકી 35 ટકાએ એકેય ડોઝ લીધો નહોતો.

રસી લીધેલા 90.26 નાગરિકોમાં એન્ટીબોડીઝ વિકસી છે. રસી લીધી નથી એવા 79.86ટકા નાગરિકોમાં એન્ટીબોડીઝ વિકસેલા જણાયા હતા. 20 ટકા આરોગ્ય કર્મચારી : નમૂનામાં 20 ટકા આરોગ્ય કર્મચારીના હતા, જે ધ્યાનમાં લેતાં જૂથમાં એન્ટીબોડીઝ હોવાનું પ્રમાણ 87.14 ટકા છે. વિવિધ વયજૂથનો વિચાર કરતાં 80-91 ટકા દરમિયાન એન્ટીબોડીઝ મળી આવ્યા છે.

તબીબી દષ્ટિએ બાંયધરી નહીં
એન્ટીબોડીઝનું અસ્તિત્વ ગુણધર્મદર્શક તપાસને લીધે મળી આવ્યું છે. આથી લોહીના નમૂનામાં એન્ટીબોડીઝ મળી આવવા છતાં તે કેટલા પ્રમાણમાં સુરક્ષિતતા આપશે તેની તબીબી દષ્ટિથી બાંયધરી આપી નહીં શકાય, એમ મહાપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આથી જ નાગરિકોએ ગાફેલ નહીં રહેતાં કોવિડ નિવારવા સંબંધી સર્વ નિયમોનું સખતાઈથી પાલન કરવું જરૂરી છે. ડો. મંગલા ગોમારે, ડો. દક્ષા શાહ, ડો. સીમા બનસોડે- ગોખે, ડો. સુજાતા બાવેજા, ડો. જયંથી શાસ્ત્રી, ડો. પલ્લવી શેળકે, ડો.શ્રીપાદ ટાકળીકર, ડો. ડેસ્મા ડિસોઝા, ડો. કિરણ જગતાપ, ડો. કલ્યાણી ઈંગોલેએ આમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...