કાર્યવાહી:ડ્રગ્સ પાર્ટી કેસમાં વધુ એક તસ્કરની પવઈથી ધરપકડ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સાથે આર્યન સહિત કુલ 17 જણની ધરપકડ કરવામાં આવી છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈ કિનારે ક્રુઝ શિપમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવાના સંદર્ભમાં વધુ એક ડ્રગ તસ્કરની બુધવારે ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટે મંગળવારે મોડી રાત્રે ઉપનગરીય પવઈમાંથી ડ્રગ તસ્કરને પકડ્યો હતો, જ્યારે ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.

આ સાથે, ડ્રગ વિરોધી એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરી છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન અને દિલ્હી સ્થિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કેટલાક હાઇ-પ્રોફાઇલ આયોજકોનો સમાવેશ થાય છે. ડ્રગ તસ્કરો અને ક્રુઝ ડ્રગ પાર્ટી કેસ સાથે સંબંધિત લોકો સામે મુંબઈ અને અન્ય સ્થળોએ વિવિધ સ્થળોએ કાર્યવાહી ચાલી રહી છે.

અગાઉ, આર્યન ખાનના વકીલે દાવો કર્યો હતો કે તેના ક્લાયન્ટના કબજામાંથી કોઈ ડ્રગ મળી નથી. એનસીબીએ રવિવારે કહ્યું કે તેઓએ ગોવા જહાજ પર દરોડા બાદ 13 ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને 22 એક્સ્ટસીની ગોળીઓ અને રોકડા 1.33 લાખ જપ્ત કર્યા છે. મંગળવારે, ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓના પરિવારના સભ્યો દક્ષિણ મુંબઈમાં એનસીબી ઓફિસની બહાર ભેગા થયા હતા. અરબાઝ મર્ચન્ટના પિતા અસલમ મર્ચન્ટે મીડિયાકર્મીઓને જણાવ્યું કે તેમનો પુત્ર અને આર્યન ખાન નિર્દોષ છે.

ક્રુઝની પરવાનગી અંગે તપાસઃ કમિશનર
મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે આગામી એકથી બે દિવસમાં ભારતના ડીજી શિપિંગને પત્ર લખવાના છીએ. અમે પૂછીશું કે ક્રૂઝે પરવાનગી લીધી હતી કે નહીં. જો કોઈ નિયમનું ઉલ્લંઘન થયું હોય તો કાર્યવાહી કરવામાં આવશે. અમે ક્રૂઝ પાર્ટીના આયોજક અને ક્રુઝના કેપ્ટનને નોટિસ મોકલી છે, અને કહ્યું છે કે કોવિડના નિયમોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. અમે ક્રૂઝ પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...