છેતરપિંડી:PMC બેંક ભ્રષ્ટાચાર પ્રકરણમાં 111 કરોડની છેતરપિંડીનો વધુ એક ગુનો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન વ્યવસ્થાપકીય સંચાલક જોય થોમસે નિયમબાહ્ય રીતે લોન આપી

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકની 111 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ બેંકના તત્કાલીન વ્યવસ્થાપકીય સંચાલક જોય થોમસ વિરુદ્ધ આર્થિક ગુના શાખાએ વધુ એક ગુનો દાખલ કર્યો છે. નિયમબાહ્ય પદ્ધતિથી લોન આપી હોવાનો આરોપ તેના પર છે. આ પ્રકરણે બંને આરોપી બિલ્ડર છે.

પીએમસી બેંકનું યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકમાં વિલિનીકરણ કરવામાં આવ્યું છે. તેથી યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકના મુખ્ય વ્યવસ્થાપક પ્રવીણ કૌર ચોપરાની ફરિયાદ પરથી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ પ્રકરણે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. રિઝર્વ બેંકે 2019માં પીએમસી બેંક પર પ્રતિબંધ લાગુ કરીને બેંક પર પ્રશાસક નિમ્યો હતો. એ પછી બેંકનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવ્યું. એ સમયે આરોપી કંપનીનું લોન ખાતુ 2013માં ડિફોલ્ટર ઘોષિત કરવું અપેક્ષિત હોવા છતાં એમ કરવામાં આવ્યું નહોતું.

આ બાબતે રિઝર્વ બેંકે કરેલી તપાસના અહેવાલ અનુસાર 49 કરોડ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ અને 61 કરોડ 80 લાખ રૂપિયા વ્યાજ એમ કુલ 111 કરોડ 54 લાખ રૂપિયાની લોનની રકમ બાકી હતી. એની વસૂલી કરવા માટે માલમતા જપ્તીની નોટિસ બજાવવામાં આવી. એ સમયે ગીરવે મૂકેલ 42 ઘર અને 12 ગાળા બેંકની પરવાનગી લીધા વિના વેચવામાં આવ્યા હોવાનું નિષ્પન્ન થયું. તેથી ચોપરાએ આ પ્રકરણે આર્થિક છેતરપિંડી ગુના શાખા પાસે ફરિયાદ નોંધાવી.

4 હજાર 355 કરોડ રૂપિયાના પીએમસી બેંક ભ્રષ્ટાચાર પ્રકરણે થોમસ વિરુદ્ધ આ પહેલાં પણ આર્થિક ગુના શાખામાં ગુનો દાખલ હતો. આ પ્રકરણમાં અત્યાર સુધી 15 કરતા વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો.

શું છે પ્રકરણ?
આરોપી બિલ્ડર કંપનીને 2008માં પીએમસી બેંક તરફથી 15 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. એના માટે બેલાપુર ખાતેના પ્રકલ્પમાં ઊભી કરવામાં આવેલી 5 ઈમારત ગીરવે મૂકવામાં આવી. લોનની રકમ પાછી ન આપી શકવાથી એને ડિફોલ્ટર ઘોષિત કરવામાં આવ્યું. પણ આ લોન વસૂલ કરવા માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહીં. એ પછી 2016માં આ બિલ્ડર કંપનીએ ફક્ત 6 કરોડ 22 લાખ રૂપિયા ભરીને લોન ખાતુ બંધ કર્યું. આ જ સમયગાળામાં તત્કાલીન વ્યવસ્થાપકીય સંચાલક જોય થોમસે 2012માં આ કંપની માટે 36 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ લોન માટે બેલાપુરની જમીન બાંધવામાં આવેલ 110 ઘર અને 12 ગાળા ગીરવે મૂકવામાં આવ્યા. 2008માં આપવામાં આવેલી લોન માટે આ જ માલમતા ગીરવે મૂકવામાં આવ્યાનો આરોપ છે.

થોમસને ફક્ત 1 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાનો અધિકાર હતો. એના કરતા વધારે રૂપિયાની લોનને મંજૂરી આપતા મેનેજિંગ કમિટીની પરવાનગી લેવી જરૂરી છે. આ પરવાનગી લીધા વિના જ લોન આપ્યાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ગંભીર વાત એ છે કે 36 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી ત્યારે 2012 થી 2014ના સમયગાળામાં 51 કરોડ 12 લાખ રૂપિયા કંપનીને લોન તરીકે આપવામાં આવ્યા. આ બાબતની કોઈ પણ માહિતી કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા રિઝર્વ બેંકને આપવામાં આવી નહોતી એવો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...