પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રશ્મી શુક્લાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ પોલીસે શુક્લા વિરુદ્ધ શુક્રવારે ટેલિગ્રાફ કાયદા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. ખાસ કરીને શુક્રવારે જ તેમને મુંબઈ હાઈ કોર્ટે 25 માર્ચ સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. જોકે મુંબઈ પોલીસે હવે તેમની વિરુદ્ધ ટેલિગ્રાફ કાયદા અંતર્ગત વધુ એક ગુનો દાખલ કર્યો છે, જેથી તેમની મુશ્કેલી વધી શકે એવું દેખાઈ રહ્યું છે.
દરમિયાન આ પ્રકરણમાં શુક્લાને ધરપકડ સામે રક્ષણ આપતાં એકલાં કેમ પાડી દેવાયાં છે એવો પ્રશ્ન જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ નીતિન બોરકરની ખંડપીઠે પૂછયો હતો. શુક્લાના ધારાશાસ્ત્રી મહેશ જેઠમલાનીની દલીલોને નોંધ લેતાં ખંડપીઠે નિરીક્ષણ કર્યું કેઆ પ્રકરણ ત્રણ વર્ષ પૂર્વેનું છે, જ્યારે પુણેના બંડ ગાર્ડન પોલીસે આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જ કેમ ગુનો દાખલ કર્યો.
જેઠમલાણીએ દલીલ કરી કે અમુક ફોન નંબરો સર્વેલન્સ પર મૂકવા માટે મંજૂરી પ્રાપ્ત કરવાની ઘટનામાં અનેક પોલીસ અધિકારી સંકલાયેલા છે ત્યારે ફક્ત શુક્લા સામે જ કેમ એફઆઈઆર દાખલ કરવામાં આવી.સરકાર વતી વાય પી યાજ્ઞિકે શુક્લાની વચગાળાના રક્ષણની અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજીની નકલ ગુરુવારે જ મળી છે એમ કહીને તેમણે સમય માગ્યો હતો અને ત્યાં સુધી કોઈ વચગાળાનો આદેશ નહીં આપવા વિનંતી કરી હતી.
બદઈરાદાથી એક જ અધિકારી પર લક્ષ્ય
જોકે ખંડપીઠે સુપ્રીમ કોર્ટનો દાખલો આપીને વચગાળાની રાહત આપી હતી. આ પ્રકરણનાં સાડાત્રણ વર્ષ પછી પોલીસે કેમ ગુનો દાખલ કર્યો. વળી, અનેક અધિકારીઓ સંકળાયેલા હોવા છતાં એક સામે એફઆઈઆર દાખલ કરી તે બદઈરાદાની કૃતિ હોય તેમ જણાય છે. તેઓ આઈપીએસ અધિકારી છે અને આંધ્ર પ્રદેશમાં જવાબદાર હોદ્દા પર છે. આથી તેઓ ભાગી જવાનો કોઈ અવકાશ નથી, એમ કહીને કોર્ટે તેમને રાહત આપી હતી. હવે કોર્ટ 25 માર્ચે વધુ સુનાવણી હાથ ધરશે.
મહત્ત્વના નેતાઓના ફોન ટેપ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોમાંના મહત્ત્વના નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવા પ્રકરણે દાખલ ગુનામાં પુણેના તત્કાલીન પોલીસ કમિશનર રશ્મી શુક્લાનો પુણે પોલીસ દ્વારા જવાબ નોંધાવવામાં આવશે. આ પછી આગળની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.