તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડોની છેતરપિંડી:કચ્છી રોકાણકારો સાથે છેતરપિંડીમાં વધુ એક કચ્છીની બોરીવલીથી ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર.એચ. એસોસિયેટ્સ પેઢી સાથે સંલગ્ન જયેશ દેઢિયાની ધરપકડ બાદ સાત દિવસના રિમાંડનો કોર્ટે આદેશ આપ્યો

મુંબઇ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ કચ્છી રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીના મામલે મંગળવારે આર. એચ. એસોસિયેટ્સ પેઢી સાથે સંલગ્ન જયેશ દેઢિયાની બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. કચ્છી સમાજના દેવાદારો પાસેથી નાણાં કઢાવવા માટે શરૂ કરાયેલા કચ્છી સહિયારું અભિયાન હેઠળ 6 ભાગીદારો અને અન્ય બે લાભાર્થી આરોપીઓ સામે છેતરપિંડીના કેસની તપાસ ઈઓડબ્લ્યુ કરી રહી છે.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આશરે 200 રોકાણકારો પૈકી અનેક પીડિતો ફરિયાદ કરવા આગળ આવ્યા હતા અને એ પછી આ મામલામા અત્યાર સુધીમાં કુલ મળીને રૂ. 110 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવવા લોકો આગળ આવ્યા છે.

હજુ વધુ ને વધુ લોકો આ પ્રકરણમાં ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે. અમે આ કેસમાં અન્ય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી રહ્યા છીએ. પોલીસ અધિકારી રમેશ અઘારેએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, આર. એચ. એસોસિયેટ્સ પેઢીના ચાર ભાગીદારો દિલેશ વિરા, હસમુખ ગોગરી, રમણીક છગન અને પંકજ છેડાની અગાઉ ધરપકડ થયા પછી હાલ તેઓ જામીન પર મુકત છે, જયારે મંગળવારે 5મા આરોપી જયેશ દેઢિયાને બોરીવલી- વેસ્ટના તેના નિવાસસ્થાનથી મંગળવારે વહેલી સવારે ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં હાજર કરાતાં 7 દિવસ સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બે આરોપી ફરાર છે
આ કેસમાં કુલ આઠ આરોપી પૈકી અન્ય બે આરોપી પોલીસ ચોપડે ફરાર છે, જયારે અન્ય એક આરોપી મુકેશ છેડા જામીન પર મુકત થયા છે. ઉલ્લેખનીય છે કે, મનહર શાહ દ્વારા 17 જુલાઈના આર. એચ. એસોસિયેટ્સ પેઢીના છ ભાગીદારો અને તેમના બે સંબંધીઓ સહિત રોકાણ કંપની સાથે સંકળાયેલી આઠ વ્યક્તિઓ સામે એમપીઆઇડી (મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર એકટ)ની કલમ હેઠળ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આ પછી ઈઓડબ્લ્યુ દ્વારા આર એચ એસોસિયેટની માટુંગા સેન્ટ્રલ સ્થિત ઓફિસને સીલ કરાઈ હતી.અને આ કંપનીના અને સંબંધિત શકમંદોનાં મળીને 12 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં હતાં.

આકર્ષક વળતરનું વચન આપ્યું હતું
આરોપીઓ દ્વારા રોકાણ પર આકર્ષક વળતરનું વચન આપીને થાપણો ભેગી કરાઈ હતી. તેઓએ આ યોજના ઓક્ટોબર 2016માં શરૂ કરી હતી. કંપનીએ શરૂઆતમાં સારું વળતર આપ્યું હતું, પરંતુ બાદમાં ચુકવણી કરવાનું બંધ કરી દીધું હતું, જેને પગલે મોટા ભાગે રોકાણકારો નાના વેપારીઓ અને ગૃહિણીઓમાં ગભરાટ ફેલાયો હતો. મોટા ભાગના રોકાણકારો કચ્છી સમાજના અને રોકાણ લેનાર કંપનીના ભાગીદારો કચ્છી હોવાથી કચ્છી સહિયારું અભિયાન અંતર્ગત એક ઝુંબેશ શરૂ કરી હતી. ભાગીદારોના રહેઠાણ ઘાટકોપર અને મુલુન્ડમાં વિશાળ મૂક મોરચાઓ કચ્છી સહિયારું અભિયાન હેઠળ કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...