તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશાસન હવે જાગ્યું:બોગસ રસીકરણ રોકવા માટે નવા નિયમ જાહેર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ શિબિર યોજવા પૂર્વે મહાપાલિકા સાથે પોલીસને પણ જાણ કરવાની રહેશે

મહાપાલિકાની નાકની નીચે 10 બોગસ રસીકરણ શિબિરો યોજીને 2600 નાગરિકોને કોવિશિલ્ડ કે કોવેક્સિન રસીને બદલે સલાઈન વોટરનાં ઈન્જેકશન આપીને છેતરપિંડી કરનારી હોસ્પિટલ અને સૂત્રધારો સામે કાર્યવાહી બાદ હવે પ્રશાસન જાગ્યું છે. હવે પછી રસીકરણ શિબિર યોજવા માટે કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. મહાપાલિકા દ્વારા આ માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે.

રસીકરણ પૂર્વે મુંબઈ મહાપાલિકાના સંબંધિત આરોગ્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને શિબિરના ત્રણ દિવસ પૂર્વે જાણ કરવાની રહેશે. રજિસ્ટર ખાનગી કોવિડ વેક્સિનેશન સેન્ટર દ્વારા જ રસીકરણ કરી શકાશે. કોવિડ વેક્સિનેશન સેન્ટર કોવિન પોર્ટલ પર રજિસ્ટર છે કે નહીં તે જોઈ લેવાનું રહેશે.સોસાયટીના સેક્રેટરીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવી જોઈએ. રસીની કિંમત, તારીખ, ખાનગી કોવિડ વેક્સિનેશન સેન્ટરની માહિતી જાહેર કરવાનું ફરજિયાત રહેશે.

આરોગ્ય અધિકારીઓને રસીકરણના સમયે અચાનક ઘટનાસ્થળે જઈને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવશે.રસીકરણ દરમિયાન કોઈ પણ ગડબડ જણાય તો આરોગ્ય અધિકારીએ અથવા નોડલ અધિકારીએ તુરંત પોલીસ અથવા વોર-રૂમને જાણ કરવાની રહેશે. રસી લીધા પછી પ્રમાણપત્રની દરેકને લિંક ઉપલબ્ધ થાય તેની ખાતરી નોડલ ઓફિસરે રાખવાની રહેશે.

એસઆઈટીની તપાસમાં શું થયું
નોંધનીય છે કે પોલીસની એસઆઈટી દ્વારા 13 જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કાંદિવલી ચારકોપની શિવમ હોસ્પિટલના માલિક ડોક્ટર દંપતી, આ હોસ્પિટલમાં ખાલી શીશીઓમાં સલાઈન વોટર ભરીને ફરી પેક કરનારો કર્મચારી, કોકિલાબેન હોસ્પિટલના માર્કેટિંગ વિભાગનો અધિકારી (જેને હોસ્પિટલે બરતરફ કર્યો છે)નો સમાવેશ થાય છે. આરોપીઓએ મુંબઈમાં 9 અને થાણેમાં 1 સહિત 10 શિબિરો યોજીને 2600 નાગરિકોને સલાઈન વોટરની રસી આપી દીધી છે. આ ટોળકીએ ભારત બાયોટેક અને સીરમ પાસેથી 1 લાખ શીશીઓ ખરીદી કરવાની યોજના બનાવી હતી.

1 શીશીમાંથી નિર્ધારિતથી વધુ ડોઝ
1 શીશીમાંથી 10-11 ડોઝ આપી શકાય છે, પરંતુ આ ટોળકી 15 કે તેથી વધુ ડોઝ બનાવતી હતી એવી શંકા છે. ઉપરાંત શીશીઓ ખાલી થયા પછી તેમાં સલાઈન વોટર ભરીને અસલી રસીના રૂપમાં આપવાની યોજના હતી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરીને રસીકરણનો આ ગોરખધંધો વધારવાનો પ્લાન હતો. જોકે કાંદિવલીની સોસાયટીની ફરિયાદને લઈ આરોપીઓનો ભાંડો ફૂટી ગયો છે અને તેઓ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પીડિત નાગરિકોને શોધીને હવે મહાપાલિકા દ્વારા તેમનાં નામ કેન્દ્ર સરકારને જણાવશે. તેમના એન્ટીબોડી તપાસીને તે અનુસાર રસીકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...