રોષ:લોકાયુક્ત કાયદો નહીં લવાય તો અણ્ણા હજારેનું આંદોલન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો લાવો નહિતર સત્તા છોડો એવી માગણી

વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેએ લોકાયુક્ત કાયદા માટે ફરી એક વાર આંદોલનની ચીમકી આપી છે. એક તો કાયદો કરો, અન્યથા સરકારમાંથી બહાર નીકળો એવું હવે અમારું આંદોલન હશે. રાજ્યમાં જિલ્લા સ્તરે બેઠકો ચાલુ છે. રાજ્યના 35 જિલ્લા અને ઓછામાં ઓછા 200 તાલુકામાં કામ ચાલુ છે. તેમના માધ્યમથી એકસાથે આ આંદોલન ઊભું કરવામાં આવશે. હવે લોકાયુક્ત કાયદો થવો જ જોઈએ. જો નહીં થાય તો આ સરકારે સત્તા છોડી દેવી જોઈએ એવી અમારી માગણી છે, એમ હજારેએ જણાવ્યું હતું.

રાજ્યમાં હાલમાં વિવિધ કારણોસર વિરોધી પક્ષ અને મહાવિકાસ આઘાડી વચ્ચે રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હજારેએ લોકાયુક્ત કાયદા માટે ફરીથી આંદોલનની ઘોષણા કરતાં સરકાર ભીંસમાં આવી શકે છે. અઢી વર્ષ પૂર્વે લોકાયુક્ત કાયદો લાવીશું એવું લેખિત આશ્વાસન આપનારા મુખ્ય મંત્રી હવે આ વિશે બોલતા પણ નથી. આનો અર્થ આની પાછળ ચોક્કસ જ કાંઈક બન્યું છે, એમ હજારેએ જણાવ્યું હતું.

રાજ્યમાં લોકાયુક્ત કાયદો કરવાની માગણી સાથે તેથી જ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. રાજ્યના 35 જિલ્લા અને 200 તાલુકાઓમાં ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન સમિતિઓ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. તેના માધ્યમથી એકસાથે રાજ્યભરમાં આંદોલન કરવાનો ઈશારો તેમણે આપ્યો છે.

ઠાકરે બોલવા પણ તૈયાર નથી : લોકાયુક્ત કાયદો કરવાનું લેખિત આશ્વાસન તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પછી ઉદ્ધવ ઠાકરેએ પણ આપ્યું હતું. જોકે અઢી વર્ષ વીતી જવા છતાં તેની પર કોઈ કામ શરૂ કરાયું નથી. ઠાકરે તેની પર બોલવા પણ તૈયાર નથી.

સરકાર પર વધુ એક આફત
અણ્ણાએ આંદોલનની ચોક્કસ તારીખ હજુ જાહેર કરી નથી, પરંતુ એકંદરે મહાવિકાસ આઘાડી સરકારને ભીંસમાં લેવા માટે તેઓ ફરીથી સુસજ્જ બન્યા હોય તેમ જણાય છે. આથી ઠાકરે સરકાર પર વધુ એક આફત આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...