રાજભવનનો વાર્ષિક ખર્ચ:બે વર્ષમાં રાજભવનના ખર્ચમાં અધધધ રૂં.18 કરોડનો વધારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજભવનને રૂ. 60 કરોડથી વધુ મળ્યા

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનું દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ સ્થિત નિવાસસ્થાન રાજભવનનો વાર્ષિક ખર્ચ વધી ગયો છે. રાજભવનને છેલ્લાં બે વર્ષમાં રૂ. 60 કરોડથી વધુ રકમ મળી છે એવી માહિતી આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીને માહિતી અધિકાર થકી મળી છે. વર્ષ 2019ની તુલનામાં ગત 2 વર્ષમાં રાજભવનના ખર્ચમાં રૂ. 18 કરોડ વધ્યો છે.

સામાન્ય પ્રશાસન વિભાગે બજેટની અંદાજપુસ્તિકામાં ગત 5 વર્ષની માહિતી ઉપલબ્ધ કરી આપી છે. વર્ષ 2017-18માં રૂ. 13 કરોડ 97 લાખ 23 હજારની જોગવાઈ કરવામાં આવી હતી. રાજભવન કાર્યાલયે તેમાંથી રૂ. 12 કરોડ 49 લાખ 72 હજાર ખર્ચ કર્યો. વર્ષ 2018-2019માં 15 કરોડ 84 લાખ 56 હજારની જોગવાઈ કરવામાં આવી. તેમાંથી 13 કરોડ 71 લાખ 77 હજાર ખર્ચ થયા છે. 2019-20માં 19 કરોડ 86 લાખ 62 હજારની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી 17 કરોડ 63 લાખ 60 હજાર ખર્ચ થયો છે.

2020-21માં જોગવાઈ 29 કરોડ 68 લાખ 19,000 હતી, પરંતુ વાસ્તવમાં 29 કરોડ 50 લાખ 92,000 રકમ વિતરણ કરવામાં આવી અને તેમાંથી 25 કરોડ 92 લાખ 36,000 રકમ ખર્ચ થઈ. વર્ષ 2021-22માં જોગવાઈ 31,23,66,000 હતી ત્યારે સરકારે પ્રત્યક્ષ 31,38,66,000 રકમ વિતરિત કરી, જેમાંથી રાજ્યપાલ કાર્યાલયે 27,38,56,000 રકમ ખર્ચ કરી.

સરકાર અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષ : રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા પછી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે સુપ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે છતાં સરકારે રાજ્યપાલ કાર્યાલયને ભંડોળ બાબતે ઉદારતા દાખવી છે. ગત 2 વર્ષમાં 60 કરોડ 89 લાખ 58 હજાર જેટલી રકમ વિતરિત કરવામાં આવી, જેમાં 53 કરોડ 30 લાખ 92 હજાર રકમ ખર્ચ કરવામાં આવી. લગભગ 18 કરોડ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે.

ખર્ચની માહિતી જાહેર કરો
અનિલ ગલગલીના મતે રાજભવન કાર્યાલયે વધારાના ખર્ચ બાબતે માહિતી જાહેર કરવી જોઈએ અને બધા ખર્ચનું ઓડિટ કરીને તેને વેબસાઈટ પર મૂકવું જોઈએ. આ બાબતે ગલગલીની માગણીનો પત્ર કોશ્યારી, મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપ મુખ્ય મંત્રી અજિત પવારને મોકલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...