સમય વધશે:રાજ્યમાં 22મીથી એમ્યુઝમેન્ટ પાર્ક પણ શરૂ કરવામાં આવશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટર રાઈડ્સ ચાલુ નહીં કરી શકાયઃ હોટેલો, દુકાનોના સમય વધશે

કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાથી રાજ્યની હોટેલો, દુકાનોનો સમય વધારવા સંબંધે સોમવારે ટાસ્ક ફોર્સની બેઠકમાં વિચારવિનિમય કરવામાં આવ્યો હતો અને એમ્યુઝમેન્ટ પાર્કમાં ખુલ્લી જગ્યામાં ડ્રાય રાઈડ્સ માટે પરવાનગી આપવામાં આવશે. પાર્કસમાં પાણીની રાઈડ્સ બાબતે પછીથી નિર્ણય લેવામાં આવશે. મુખ્ય મંત્રીના દક્ષિણ મુંબઈ સ્થિત સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે યોજાયેલી બેઠકમાં અધ્યક્ષસ્થાને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે હતા. આ સમયે નાના બાળકોની ટાસ્ક ફોર્સના સભ્યો પણ હાજર હતા. એમ્યુઝમેન્ટ પાર્ક 22 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

કોવિડ સિવાય ડેન્ગ્ય, ચિકનગુનિયાના દર્દીઓમાં પણ મોટે પાયે વધારો થઈ રહ્યો હોવાથી તેમના ઉપચાર તરફ પણ પૂરતું ધ્યાન આપવાની સૂચના ઠાકરેએ આપી હતી. ઠાકરેએ કહ્યું, આપણે ધીમે ધીમે નિયંત્રણો હળવાં કરી રહ્યા છીએ. દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહેલી દેખાય છે. 22 ઓક્ટોબરથી થિયેટરો, નાટ્યગૃહો શરૂ કરવામાં આવી રહ્યાં છે. હોટેલો અને દુકાનોનો સમય વધારી આપવાની સતત માગણી થઈ રહી છે. આથી તેમનો સમય વધારવા સંબંધમાં માર્ગદર્શક સૂચનાઓ તૈયાર કરવાના નિર્દેશ તેમણે આપ્યા હતા.

બાળકોના રસીકરણ બાબતે કેન્દ્રના સંપર્કમાં રહીને રસી ઉપલબ્ધ કરી લેવી અને આ બાબતમાં નિર્ણય થયા પછી રસીકરણની તૈયારી રાખવાનું નિયોજન કરવાની સૂચના પણ તેમણે સાર્વજનિક આરોગ્ય વિભાગને આપી હતી. બીજી લહેર ઓસરી ગઈ હોવા છતાં ત્રીજી લહેરનું જોખમ હજુ છે.

કોરોના ઉપચાર માટે નવા નવા પ્રયોગ
કોરોના પર ઉપચાર માટે દુનિયામાં નવા નવા પ્રયોગ થઈ રહ્યા છે, જેથી આવનારી નવી દવાઓની બાબતમાં પણ તેમની અસરકારકતા, કિંમત, ઉપલબ્ધતા બાબતે હમણાંથી જ માહિતી લેતા રહેવું અને સંબંધિતોના સંપર્કમાં રહેવું જોઈએ, એવી સૂચના પણ તેમણે આપી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. પ્રદીપ વ્યાસ, મુખ્ય મંત્રીના વધારાના મુખ્ય સચિવ આશિષ કુમાર સિંહ, પ્રધાન સચિવ વિકાસ ખારગે, વિશેષ સલાહકારો, ટાસ્ક ફોર્સના ડોક્ટરો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...