દુર્ઘટના:અંધેરીમાં 11 વર્ષના બાળકે ફટાકડાથી આંખ ગુમાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડો નહીં ફૂટતાં નજીક ગયો અને અનર્થ થયો

મુંબઈમાં અંધેરી ખાતે એક 11 વર્ષના બાળકે ફટાકડા ફોડવાથી દાઝવાને કારણે આંખ ગુમાવી દીધી છે. અંધેરી ડીએન નગરમાં ગિલ્બર્ટ હિલ ખાતે પોતાના ઘરની નજીક સોમવારે સાંજે આ બાળક ફટાકડા ફોડતો હતો.બાળકને સાઈ ભારણકર તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો ત્યારે બળતા ફટાકડામાંથી નીકળેલી ચિનગારીથી ડાબી આંખ અને નાક પર ઈજા થઈ હતી.બાળકે ફટાકડાની વાત પ્રગટાવી અને ત્રણ ખોખાં તેની પર ઢાંકી દીધાં હતાં. જોકે ફટાકડો ફૂટ્યો નહીં ત્યારે તે નજીક ગયો અને બોક્સ ઊંચકી લીધાં હતાં તે જ સમયે ફટાકડો ફૂટ્યો અને તેની આંખ અને નાક પર ઈજા પહોંચી છે, એમ ડીએન નગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ મિલિંદ કુર્દેએ જણાવ્યું હતું.

બાળકના ઘર નજીક પસાર થતી સાંકડી ગલીમાં સોમવારે રાત્રે 9 વાગ્યે આ ઘટના બની હતી. તેના વાલીઓને તુરંત જાણ કરાઈ હતી, જેમણે બાળકને જેજે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેણે આંખ ગુમાવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેના નાક પર ટાંકા લેવા પડ્યા હતા. બાળક હજુ પણ સારવાર હેઠળ છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.

નિષ્ણાતો શું કહે છે?
ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલ્સના વિટ્રિયો રેટિનલ સર્વિસીસના ચીફ ડો. એસ નટરાજને જણાવ્યું હતું કે ફટાકડાથી ત્વચા અને આંખોને ઈજા પહોંચી શકે છે, જે ગંભીર અને અફર હોઈ શકે છે. દર વર્ષે મુંબઈની હોસ્પિટલમાં ફટાકડાથી દાઝવાના અનેક કેસ આવે છે અને દર વર્ષે તેમાં વધારો થાય છે. મોટા ભાગની ઈજાઓ માટે ફટાકડા ફોડવા સમયે સુરક્ષાત્મક આઈ ગિયર પહેર્યું નહીં હોય તે કારણભૂત હોયછે. વળી, તેમાં બાળકોમાં વધુ કિસ્સા જોવા મળે છે. આથી ફટાકડા ફોડવા સમયે સુરક્ષાત્મક આઈ ગિયરનો ઉપયોગ કરવો જોઈએ અને બાળકોને દેખરેખ હેઠળ જ ફટાકડા ફોડવા દેવા જોઈએ.

આદર્શ રીતે ઘરથી દૂર સાફ વિસ્તારમાં બહાર ફટાકડા ફોડવા જોઈએ. ત્યાં ઘાસ, સૂકાં પાન અથવા અન્ય જ્વલનશીલ વસ્તુઓ નહીં હોવી જોઈએ. જોનારને પણ ઈજા પહોંચી શકે છે. આથી જોનારે કમસેકમ 500 ફીટ દૂર રહેવું જોઈએ, એવી સલાહ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...