કામગીરી:પરમવીર પાસે વધુ પુરાવા ન હોવા છતાં ચાંદીવાલ પંચની તપાસ ચાલુ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચ દેશમુખ, વાઝે, પાલાંડે વગેરેનાં નિવેદન નોંધશે

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની હપ્તા વસૂલીનો આરોપ કરનાર મુંબઈના ભતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે જસ્ટિસ કે યુ ચાંદીવાલ તપાસ પંચને પોતાની પાસે આ પ્રકરણમાં વધુ પુરાવા નથી એમ ભલે કહ્યું હોય, પરંતુ પંચ તેમની ફરિયાદ પરથી શરૂ કરેલી તપાસને ચાલુ રાખશે. હવે પરમવીર સિવાયના અન્યોનાં નિવેદનો પંચ નોંધશે.

પરમવીર વતી તેમના વકીલે થોડા દિવસ પૂર્વે પંચ સમક્ષ 23 ઓક્ટોબરે સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં તેમની પાસે દેશમુખ વિરુદ્ધ વધુ પુરાવા નથી, તેઓ કોઈ પણ વ્યક્તિની આ પ્રકરણમાં ઊલટતપાસ લેવા માગતા નથી એમ જણાવ્યું હતું. જોકે નિષ્ણાતો કહે છે કે પરમવીર ભલે પંચ સમક્ષ હાજરી નહીં આપે, પરંતુ પંચ તપાસ બંધ નહીં કરશે. પંચ તપાસ ચાલુ જ રાખશે.પંચ હવે અનિલ દેશમુખ, સચિન વાઝે, સંજય પાલાંડે, શિંદે અને અન્યોનાં નિવેદન નોંધશે. દેશમુખ હાલમાં ઈડીની કસ્ટડીમાં છે, વાઝે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે, જ્યારે દેશમુખના અંગત સહાયકો પાલાંડે અને શિંદે જેલ કસ્ટડીમાં છે.

પંચ કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટની જોગવાઈઓ અનુસાર આ બધાનાં નિવેદનો નોંધવાનું ચાલુ રાખશે. પરમવીરના વકીલે જણાવ્યું છે કે મારા અસીલ પંચ સામે હાજર નહીં અને કોઈ પણ સાક્ષીદારની ઊલટતપાસ લેવા માગતા નથી, પરંતુ તેમની ફરિયાદ પાછી ખેંચવા માગતા નથી.પંચને સહાય કરતા એટર્ની મહેશ પંચાલે 13 ઓક્ટોબરે પંચને જણાવ્યું હતું કે પરમવીરે જે પણ જાહેર કરવાનું હતું તે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને 20 માર્ચે લખેલા પત્રમાં જાહેર કરી દીધું છે અને સુપ્રીમ કોર્ટે પણ તેની નોંધ લીધી છે ત્યારે પરમવીર પાસે હવે નવું ઉમેરવાનું કશું જ નથી.

પરમવીર બેલ્જિયમમાં
નોંધનીય છે કે પરમવીરને પંચે અનેક વાર સમન્સ પાઠવ્યા છે. સતત ગેરહાજરી માટે તેમને ત્રણ વાર રૂ. 5000, રૂ. 25,000, રૂ. 25,000નો દંડ કર્યો છે. પરમવીર દ્વારા વકીલ થકી આ દંડની રકમ ચૂકવી પણ દેવાઈ છે. જોકે તેઓ જાતે હાજર થતા નથી. તેઓ તેમના મુંબઈના મલબાર હિલમાં અને ચંડીગઢના ઘરે પણ નથી, જ્યારે પોલીસ તેમને શોધવામાં નિષ્ફળ રહી છે. છેલ્લે તેઓ બેલ્જિયમમાં ભાગી ગયા હોવાની વાત બહાર આવી હતી, જ્યારે પરમવીરની એફિડેવિટમાં ચંડીગઢનું સરનામું હતું.

અન્ય સમાચારો પણ છે...