રાજકારણ:દેશમાં ભાજપ વિરુદ્ધ બધા વિરોધી પક્ષો એકત્ર મોરચો કાઢશેઃ રાષ્ટ્રવાદી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવારે બધા વિરોધી પક્ષોને એકત્ર કરવાની ઈચ્છા પ્રશાંત કિશોરને જણાવી

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવા મલિકે આ મુલાકાત અંગે ખુલાસો કર્યો છે.અમે પ્રશાંત કિશોર પાસે કોઈ પણ જવાબદારી સોંપવાના નથી. પ્રશાંત કિશોર રાજકીય રણનીતિકાર છે. તેમનો અલગ અનુભવ છે. તે અનુભવ અને દેશમાં રાજકીય પરિસ્થિતિ શું છે તેની માહિતી પ્રશાંત કિશોરે શરદ પવારને આપી છે, એમ અલ્પસંખ્યાક મંત્રી મલિકે જણાવ્યું હતું. નોંધનીય છે કે પવારના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે શુક્રવારે પવાર અને કિશોર વચ્ચે ચાર કલાક બંધબારણે બેઠક યોજાઈ હતી.

પવાર દેશના બદા વિરોધી પક્ષોને ભેગા કરવા માગે છે. આ વાત તેમણે કિશોરને જણાવી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે પવાર બંગાળમાં જવાના હતા. જોકે તબિયતને કારણે તેઓ જઈ શક્યા નહીં, પરંતુ દેશના બધા વિરોધી પક્ષોને એકત્ર કરવાના છે. ભાજપની વિરુદ્ધ એક સશક્ત મોરચો કાઢવાની પણ યોજના છે, જે આગામી સમયમાં કાઢવાનો પ્રયાસ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.નોંધનીય છે કે પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી રાજકીય રણનીતિકાર તરીકે પોતે સંન્યાસ લઈ રહ્યા છે એવું જાહેર કર્યું હતું.

આ પછી પણ તેઓ પવારની મુલાકાત માટે પહોંચતાં અનેકનાં ભવાં ઊંચકાયાં છે. વિરોધીઓ દ્વારા 2024માં ભાજપને મજબૂત પડકાર આપવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાથી આ મુલાકાતનો સંદર્ભ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે.હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તામિલનાડુમાં દ્રમુકની જીતની કિશોરે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. 2014માં મોદીની જીત અથવા વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓમાં કિશોરનું નિયોજન ઉપયોગી સાબિત થયું હતું.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કિશોરે શિવસેનાને સલાહ આપી હતી અને આદિત્ય ઠાકરેનું નેતૃત્વ પ્રસ્થાપિત કરવાની મહત્ત્વની કામગીરી બજાવી હતી.મહારાષ્ટ્ર માટે પ્લાન : મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે એકત્ર આવીને મહાવિકાસ આઘાડી સરકાર સ્થાપ્યા પછી રાજકીય સમીકરણો નિશ્ચિત જ બદલાયાં છે. પવારની સક્રિયતા હવે મહારાષ્ટ્રમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને દૂર રાખવાની છે. આથી કિશોર સાથેની મુલાકાતની જાણકારી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ હતી એમ કહેવામાં આવે છે. આ ચૂંટણીમાં કઈ રીતે નિયોજન કરવું, સમીકરણ, મતવિસ્તાર અનુસાર નિયોજન વિશે કિશોર જોડે પવારે વાત કરી હોવાનું કહેવાય છે.

કોંગ્રેસને વધુ બેઠકો આપી ત્યાં નુકસાન
પ્રાદેશિક પક્ષો જ્યાં છે ત્યાં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસ માટે વધુ જગ્યા છોડવાને લીધે તેનો ફાયદો ભાજપને થયો છે. આથી સ્થાનિક પક્ષોને નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આવું જ ચિત્ર જોવા મળ્યું હતું. આથી યોગ્ય નિયોજન કરવું પડશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા માચે લડવાની ઈચ્છા બતાવી નહીં. આને કારણે પારંપરિક મતવિસ્તારમાંથી નિરુત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસને વધુ બેઠકો છોડવામાં આવે તો તેનો ફાયદો ભાજપને થયો છે, એમ પણ કિશોરે પવારને જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...