રાજ્ય વિધાનમંડળનું મહત્ત્વપૂર્ણ બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે તે પૂર્વે રાજકીય દાવપેચ શરૂ થયાછે. શરદ પવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં બુધવારે તાકીદની બેઠક બોલાવી હતી. તેમાં રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આ પછી ભાજપની કાર્યકારિણીની બેઠક થયા પછી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ લીધી હતી. આ અવસરે વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકર અને મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ હાજર હતા.
આ સમયે તેમણે અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકના રાજીનામાની માગણી કરી હતી. તેમને ગેન્ગસ્ટર દાઉદ સાથે સંબંધ છે. મુંબઈમાં આતંકવાદ ફેલાવનારી વ્યક્તિને પડખે રાખનારી સરકારના ચાપાનના કાર્યક્રમનો અમે બહિષ્કાર કરીએ છીએ એમ પણ જણાવ્યું હતું.
આને કારણે આ બજેટ સત્ર તોફાની બની રહેશે એવું જણાય છે. ખાસ કરીને સત્તાધારીઓ પર સતત થઈ રહેલી ઈડી, આઈટી, સીબીઆઈની કાર્યવાહીઓને લઈને વિરોધી પક્ષ તેમને ભીંસમાં લેવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને કોરોના પછી પહેલી જ વાર આ બજેટ સત્ર પખવાડિયાથી વધુ દિવસ સુધી ચાલવાનું છે. કોરોના બાદ સત્રોને અઠવાડિયાની અંદર સમેટી લેવાતા હતા, જેને કારણે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ અટવાઈ જતી હતી.
ફડણવીસે જણાવ્યું હતું કે અમને ચર્ચામાં રસ છે. અનેક વર્ષ પછી 17-18 દિવસ સુધી આ સત્ર ચાલવાનું છે. આથી જનતાના પ્રશ્નો લઈને અમે સામે જઈશું. વિરોધીઓનો અવાજ દબાવીને લોકશાહીને ઠોકર મારવામાં આવી છે. તે મુજબ અમને પણ આ બધાનો વિચાર કરવો પડશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં વીજ કનેકશન કાપવામાં આવી રહ્યાં છે. આને કારણે અજિત પવારે આપેલા શબ્દને તિલાંજલી આપવામાં આવી રહી છે. આથી આ સરકારમાં ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના શબ્દને કિંમત રહી નથી એ સ્પષ્ટ થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.
મરાઠા - ઓબીસીનો પ્રશ્ન પણ ઉઠાવાશે
મરાઠા સમાજ અને ઓબીસીના અનામતનો મુદ્દો પણ અમે ઉઠાવીશું. છત્રપતિ ઘરાણાની વ્યક્તિને ઉપવાસ પર બેસવું પડે છે તે અસંવેદનશીલતાનાં લક્ષણોછે. ઓબીસી સમાજ પર આ સરકારનો આટલો ગુસ્સો કેમ છે. આ સરકાર શરાબીઓને સમર્પિત છે. સરકારને ફક્ત દારૂ વેચાણ કરનારનો મોહ છે. 12 કરોડ જનતા સરકારનો અહંકાર બહાર કાડશે. મહારાષ્ટ્ર તમને ઝુકાવશે. સરકારમાં અમુક લોકો દાઉદનાં વાસણો ધુએ છે, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
પવારે કર્યું નેતા- મંત્રીઓનું માર્ગદર્શન
દરમિયાન બજેટ સત્ર તોફાની બની રહેવાનું છે એ નક્કી છે. ખાસ કરીને મની લોન્ડરિંગ અને દાઉદ સાથે સંબંધમાં ધરપકડ કરાયેલા નવાબ મલિકનું રાજીનામું માગવા વિરોધી પક્ષ આક્રમક છે. આ જોતાં બંને ગૃહોમાં કઈ રીતે પ્રહારને ઝીલવા તેનું માર્ગદર્શન પવારે બુધવારે તેમના પક્ષના નેતાઓ અને મંત્રીઓને આપ્યું હતું. આથી વિરોધીઓની જેમ શાસકોએ પણ સુસજ્જ તૈયારીઓ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.