નિવેદન:અજિત પવારની સંપતિ જપ્ત કરવાની વાત તદ્દન ખોટીઃ વકીલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવારની કોઈ પણ સંપતિ પર ITએ ટાંચ મારી નથી કે નોટિસ બજાવી નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ થયા પછી હવે રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારની સંપતિ પર ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી હોવાના સમાચાર આવ્યા હતા. અજિત પવાર સાથે સંબંધિત કરોડો રૂપિયાની સંપતિ પર ટાંચ મારવાનો આદેશ આપવામાં આવ્યો એવા સમાચાર એક ચેનલે પ્રસારિત કર્યા હતા. જોકે અજિત પવાર તરફથી આ સમાચારને સ્પષ્ટપણે રદિયો આપવામાં આવ્યો છે.

ઉપમુખ્યમંત્રી અજિત પવાર સાથે સંબંધિત કોઈ પણ સંપતિ પર આઈટીએ ટાંચ મારી નથી અથવા એ સંદર્ભે કોઈ પણ નોટિસ અજિત પવારને મળી નથી. આ સંદર્ભે પ્રસારમાધ્યમોમાં આવેલા સમાચાર પાયાવિહોણા, વસ્તુસ્થિતિ સાથે વિસંગત અને ખોટા છે એવું સ્પષ્ટીકરણ ઉપમુખ્યમંત્રી અજિત પવારના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલ તરફથી કરવામાં આવી છે.

ઉપમુખ્યમંત્રી અજિત પવારના સંદર્ભે પ્રસારમાધ્યમોમાં જાહેર થયેલા સમાચારોનું ખંડન કરતા તેમના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલે જણાવ્યું કે અજિત પવાર સાથે સંબંધિત કોઈ પણ સંપતિ પર ટાંચ મારવામાં આવી કે આ સંદર્ભે કોઈ પણ જાતની નોટિસ બજાવવામાં આવી નથી. આઈટી તરફથી કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. આ પત્રનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ પ્રકરણે પ્રશાસકીય અને કાયદાકીય માર્ગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રસારમાધ્યમોએ વસ્તુસ્થિતિ તપાસીને સમાચાર પ્રસારિત કરવા, કોઈ પણ કુપ્રચારનો ભોગ બનવું નહીં એવી હાકલ વકીલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...