તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:સેના સાથે યુતિથી રાષ્ટ્રવાદીની કારકિર્દી ખરાબ થવાનો અજિત પવારને ડર હતો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર ટ્રેડિંગ પુસ્તકમાં કરવામાં અવેલો ખળભળાટજનક દાવો
  • અજિત પવારે પોતાની પાસે 28 વિધાનસભ્યો છે એમ ફડણવીસને કહ્યું હતું

ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે એકત્ર આવીને મહારાષ્ટ્ર સરકાર સ્થાપી તે ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. તે સમયે શિવસેના સાથે યુતિ કરવા માટે અજિત પવારનો સખત વિરોધ હતો. તેમનો આ વિરોધ ચોક્કસ કેમ અને શા માટે હતો તે સંબંધમાં ટ્રેડિંગ પાવર પુસ્તકમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. આથી તે સમયે પડદા પાછળ ચોક્કસ શું થયું હતું, કઈ ઘટનાઓ બની હતી તે બહાર આવ્યું છે. પ્રિયમ ગાંધી ટ્રેડિંગ પાવર નામે પુસ્તકનાં લેખિકા છે, જેમાં પહેલી જ વાર એક વર્ષ પૂર્વે રાષ્ટ્રવાદીના અજિત પવાર અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે રાતોરાત એકત્ર આવીને શપથવિધિ કાર્યક્રમ પાર પાડીને જનતા સાથે બધા જ પક્ષોને ચોંકાવી દીધા હતા.

તે શપથવિધિના પડદાની પાછળ શું બન્યું હતું તે સંબંધમાં આંચકાજનક દાવાઓ કરવામાં આવ્યા છે. અજિત પવારને તાત્વિક અને રાજકીય કારકિર્દીની દષ્ટિથી શિવસેના સાથે યુતિ કરવાનો વિરોધ હતો અને તેથી જ તેમણે ફડણવીસ સાથે હાથ મેળવી લીધા હતા, એવો દાવો કરવામાં આવ્યો છે. એક નેતાનો હવાલો આપતાં આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારનો શિવસેના સાથે યુતિ કરવાનો વિચાર ભૂલભર્યો છે, શિવસેનાને ટેકો આપવામાં આવે તો રાષ્ટવાદીને મોટું નુકસાન થઈ શકે છે એવી અજિત પવારને ડર હતો. આટલું જ નહીં, આ નિર્ણયને લીધે પોતાની રાજકીય કારકિર્દી પણ ખરાબ થવાનો ડર અજિત પવારને હતો, એમ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે.

ભાજપ સાથે હાથ મેળવવા સમયે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શું સંવાદ થયો હતો તે વિશે પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે. આ મુજબ તે સમયે અજિત પવારે ફડણવીસને પોતાની પાસે આજની ઘડીએ 28 વિધાનસભ્યો છે, હું જે કહીશ તે તેઓ કરશે, તમારી પાસેનું સંખ્યાબળ અને અપક્ષ વિધાનસભ્યોની તાકાત પર આપણે બહુમતી મેળવી શકીશું એવું કહ્યું હતું. આ સામે ફડણવીસે અજિત પવારને તે વિધાનસભ્યોનાં નામ પૂછ્યાં હતાં. અજિત પવારે સુનીલ શેળકે, સંદીપ ક્ષીરસાગર, રાજેન્દ્ર શિંગણે, સુનિલ ભુસારા, માણિકરાવ કોકાટે, દિલીપ બનકર, સુનિલ તિંગરે, ધનંજય મુંડે, પ્રકાશ સોળંકે, સંજય બનસોડે, નરહરી ઝિરવળ, બાબાસાહેબ પાટીલ, દૌલત દરોડા, નીતિન પવાર, અનિલ પાટીલ ઉપરાંત અન્ય 12 નામો કહ્યાં હતાં, એવો દાવો પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પરોઢિયે ફડણવીસે મુખ્ય મંત્રી અને અજિત પવારે ઉપ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા પછી આ વાત બહાર આવતાં જ રાજકીય ભૂકંપ મચી ગયો હતો. આ પછી રાજકીય સમીકરણો ઝડપથી ફરવા લાગ્યાં હતાં. શરદ પવાર અને સંજય રાઉતે મેરેથોન બેઠકો લઈને સૌપ્રથમ તો રાષ્ટ્રવાદીના બાકી વિધાનસભ્યોને રોકી લીધા હતા. આ પછી અજિત પવાર સાથે મેરેથોન બેઠકો લઈને તેમને પણ મનાવી લીધા હતા અને તદ્દન વિપરીત વિચારધારા ધરાવતા રાષ્ટ્રવાદી, કોંગ્રેસ સાથે શિવસેનાએ સરકારની સ્થાપના કરીને એક નવી પ્રથા પાડી દીધી હતી અને સૌથી વધુ 105 વિધાનસભ્યો ચૂંટી લાવનારા ભાજપના બધા દાવ ઊથલાવી નાખ્યા હતા. તે સમયથી પડદા પાછળ શું થયું હશે એ જાણવાની બધાને આજ સુધી ઉત્સુકતા છે. આ પુસ્તકમાં તે ઉત્સુકતાનો અંત લાવવાનો પ્રયાસ કરાયો છે. જોકે તેને સત્તાવાર સમર્થન કોઈએ આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...