મુશ્કેલી:દિવાળીમાં પ્રદુષણને કારણે મુંબઈ શહેરમાં હવાની ગુણવત્તા બગડી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે ત્રણ દિવસ ફટાકડાઓના કારણે હવા ખરાબ રહેશે

મુંબઈની હવાની ગુણવત્તા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સમયમાં ખરાબ થઈ છે. દિવાળીના ફટાકડા અને અત્યારે હવાની બદલાયેલી દિશાના લીધે હવાની ગુણવત્તા પર અસર થઈ છે. મંગળવાર-બુધવારે મુંબઈની હવાનો ગુણવત્તા નિર્દેશાંક 266 હતો. હવાની ગુણવત્તા આગામી બેત્રણ દિવસ માટે બગડેલી રહેશે એમ હવાની ગુણવત્તા નોંધતી સફર સિસ્ટમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મંગળવાર-બુધવારે કોલાબા, માઝગાવ, બીકેસી ખાતે હવાની ગુણવત્તા બગડેલી હતી. આ ત્રણેય ઠેકાણે હવા અતિ ખરાબ સ્વરૂપની હોવાની નોંધ થઈ. કોલાબા ખાતે પીએમ 2.5 નિર્દેશાંક 346 અને પીએમ 10 નિર્દેશાંક 220 હતો.

માઝગાવ ખાતે પીએમ 2.5 નિર્દેશાંક અતિ ખરાબ એટલે કે 365 નોંધવામાં આવ્યો હતો અને પીએમ 10નો નિર્દેશાંક ખરાબ એટલે કે 237 નોંધવામાં આવ્યો હતો. બીકેસી ખાતે પીએમ 2.5 નિર્દેશાંક 313 અને પીએમ 10 નિર્દેશાંક 226 હતો. ચેંબુર, મલાડ ખાતે હવાનો નિર્દેશાંક પીએમ 2.5 ખરાબ હતો. બંને ઠેકાણે ગુણવત્તા નિર્દેશાંક 250થી વધારે હતો. આ સાથે જ બોરીવલી, ભાંડુપ, અંધેરી અને વરલી ખાતે હવાની ગુણવત્તા મધ્યમ સ્વરૂપની હતી. આ ચારેય ઠેકાણે પીએમ 10 અને પીએમ 2.5 નિર્દેશાંક 100થી વધારે હતો.

મુંબઈ સાથે જ નવી મુંબઈ ખાતે પણ હવાની ગુણવત્તા મધ્યમ સ્વરૂપની નોંધવામાં આવી હતી. મુંબઈમાં જમીન પરથી આવતા પવનના કારણે હવામાં પ્રદૂષકો ટકી રહે છે. તેથી હવાની ગુણવત્તા ખરાબ થઈ હોવાનું સફર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.હંમણા બેત્રણ દિવસ તહેવારોમાં ફટાકડાઓ ફૂટવાથી હવામાં વધુ લાંબો સમય ટકી રહેતા પ્રદૂષકોના લીધે હવાની ગુણવત્તા વધારે ખરાબ રહેશે એવી શક્યતા છે.