કાયમી ધોરણે રહેતા પક્ષીઓ, દુર્લભ પ્રજાતિના પક્ષીઓ, સ્થળાંતરિત પક્ષીઓ જેવું પક્ષી વૈવિધ્યનો એક નોંધપોથી બનાવવાના હેતુથી નેશનલ પાર્કમાં 2021થી 2025ના સમયગાળામાં નિયમિતપણે પક્ષી નિરીક્ષણ કરવામાં આવશે. આ બાબતે નેશનલ પાર્ક અને બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે.
આ પ્રકલ્પમાં પક્ષી નિરીક્ષણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ પક્ષી નિરીક્ષણ 28 ફેબ્રુઆરીના કરવામાં આવ્યું હતું. એમાં 70થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ નિરીક્ષણમાં 108 પ્રજાતિઓની નોંધ કરવામાં આવી હતી. 21 માર્ચના બીજી વખત પક્ષી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 80 લોકોએ ભાગ લીધો હતો અને 112 પ્રજાતિઓની નોંધ કરવામાં આવી હતી. હાથી ગેટથી કલ્વર્ટ 20 (પુલ), કલ્વર્ટ 20 થી તુલસી તળાવ, તુલસી તળાવથી તુલસી દ્વારા, ઠાકુરપાડાથી ભૂતબંગલા, કાન્હેરીથી ફણસાંચ પાણી, જાંભુળ માળ, શિલોડા ટ્રેલ, નાગલા બ્લોક, તુંગારેશ્વર પ્રવેશમાર્ગ, તુંગારેશ્વર મંદિર, પટોનાપાડાથી ભિંડી નાળા, પત્રાચે બંગલોથી ગોલ કડ એમ પક્ષી નિરીક્ષણના માર્ગ છે. ડો. પર્વિશ પંડ્યા, સૌરભ સાવંત અને દિપ્તી હમરાસપુરકર જેવા પક્ષી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ નિરીક્ષણ ચાલુ છે. વિદેશમાં તદ્દન નાના નાના જંગલમાં પક્ષી નિરીક્ષણ કરીને ઓછામાં ઓછા 50 વર્ષની માહિતી સાચવી રાખવામાં આવે છે. આપણી પાસે એવી પદ્ધતિ નથી. નેશનલ પાર્કમાં પક્ષી વૈભવની માહિતી શાસ્ત્રીય પદ્ધતિથી ભેગી કરીને એ શાસ્ત્રીય પદ્ધતિથી લોકો સુધી પહોંચાડવી જોઈએ. તેથી હવે સળંગ 5 વર્ષ પક્ષી નિરીક્ષણ કરવામાં આવશે એમ ડો. પંડ્યાએ જણાવ્યું હતું. અત્યાર સુધી થયેલા સર્વેક્ષણમાં બ્રાઉન હોક આઉલ, ગ્રે નેક્ડ બંટિંગ અને નાના કાનવાળા ઘુવડ વગેરે પ્રજાતિઓ દેખાઈ છે એવી માહિતી બીએનએચએસના રાજુ કસંબેએ આપી હતી. નિરીક્ષણનો અહેવાલ ઈ-બર્ડ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
પક્ષી નિરીક્ષણ કેવી રીતે?
એક નિષ્ણાત, એક વન સંરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) અને અન્ય પક્ષી નિરીક્ષકો એવા જૂથ તૈયાર કરીને સવારના 7.30 થી 9.30 વાગ્યા સુધી નિરીક્ષણ કરવામાં આવે છે. દરેક જૂથ જુદા જુદા ઠેકાણે 2 થી 3 કિલોમીટર ચાલે છે. દર 15 મિનિટે એક યાદી તૈયાર કરવામાં આવે છે. ક્યુ પક્ષી ક્યાં દેખાયું, શું કરતું હતું, વગેરે નોંધવામાં આવે છે. સળંગ થોડા વર્ષ આ પ્રમાણે નિરીક્ષણ કર્યા પછી ઋતુ અનુસાર અથવા ફળ-ફૂલોની મોસમ અનુસાર સ્થળાંતર કરનારા પક્ષીઓ, સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ, પક્ષીઓની કુલ સંખ્યા, બદલાતી સંખ્યા, વગેરે માહિતી મળે છે. એના આધારે પક્ષીઓના નિવાસનું સંરક્ષણ કરવા માટે ઉપાયયોજના કરવામાં આવે છે. 2013-14માં થયેલા નિરીક્ષણમાં 194 પ્રજાતિઓ દેખાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.