રાજકારણ:દાદરા- નગર હવેલીમાં સફળતા પછી શિવસેનાનું અન્ય રાજ્યો પર લક્ષ્ય

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીતની આશા સાથે અમે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડીશુઃ આદિત્ય

દાદરા - નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી દિવંદત મોહન ડેલકરનાં પત્ની અને શિવસેનાનાં ઉમેદવાર કલાબેને જીતી લીધી છે. તેમને કુલ 1,12,741 મત મળ્યા હતા, જ્યારે તેમની પ્રતિસ્પર્ધી ઉમેદવાર મહેશ ગાવીતને 63,382 મત મળ્યા હતા. ડેલકરે પ્રતિસ્પર્ધી ઉમેદવારના 47,447 મતથી હરાવ્યા છે. આ જીત નિમિત્તે શિવસેનાએ રાજ્યની બહાર પહેલી જ વાર ચૂંટણી જીતી હોઈ તેનું મનોબળ દેખીતી રીતે જ વધી ગયું છે. આને આધારે આદિત્ય ઠાકરેએ અન્ય રાજ્યોમાં ચૂંટણી લડવા બાબતે મોટું વક્તવ્ય કર્યું છે.દાદરા નગર- હવેલીમાં શિવસેનાની મોટી જીત થઈ છે. પક્ષ સંગઠનની વૃદ્ધિ કરતાં ન્યાય મેળવવા માટે આ જીત મહત્ત્વની હતી. અન્યાય વિરુદ્ધ આ લડત હતી. હવે શિવસેના અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી લડશે. અમને જીતની અપેક્ષા છે, એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.

કલાબેન મતગણતરીની પ્રથમ ફેરીથી જ આગળ હતાં. તેમણે 9000થા 12,000 મતની સરસાઈ જાળવી રાખી હતી. કુલ 22 રાઉન્ડ થયા હતા. કલાબેનના પતિ મોહન ડેલકરે મુંબઈમાં મરીન ડ્રાઈવ સમુદ્ર કિનારે સી ગ્રીન હોટેલમાં આત્મહત્યા કરી હતી. તે સમયે સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના દબાણથી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હોવાની નોંધ હતી. આ પછી કલાબેને આ પ્રકરણની તપાસની માગણી કરી હતી, જે પછી મુંબઈ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડેલકરે સુસાઈડ નોટમાં જેમનાં નામની નોંધ કરી હતી તેમાંથી અમુકે આગોતરા જામીન માટે અરજી કરી છે.

આત્મહત્યા પ્રકરણ શું છે
22 ફેબ્રુઆરીના રોજ મરીન ડ્રાઈવ સ્થિત હોટેલ સી ગ્રીન સાઉથના પાંચમા માળે રૂમમાં ડેલકરે ગળે ફાંસો ખાધો હતો. તેઓ 15 પાનાંની સુસાઈડ નોટ લખી ગયા હતા, જેમાં દાદરા નગર હવેલીના વહીવટકર્તાઓની સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવાયું હતું. આ પછી મુંબઈ પોલીસે 9 માર્ચે ડેલકરના પુત્ર અભિનવની ફરિયાદ પરથી સંદીપકુમાર સહિત સુસાઈડ નોટમાં નામ હતાં તેમની સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અંગે એફઆઈઆર દાખલ કરી હતી.

સહાનુભૂતિ અને આક્રોશ
રાજકીય નિરીક્ષકો કહે છે કે મોહન ડેલકર સાત વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ લોકપ્રિય સાંસદ હતા. લોકોમાં હળીમળીને રહેતા હતા. આથી તેમની આત્મહત્યાને લીધે મતદારોમાં આક્રોશ હતો, જ્યારે બીજી બાજુ કલાબેન પ્રત્યે સહાનુભૂતિ હતી. આ સહાનુભૂતિનો ફાયદો કલાબેનને મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...