રાણા દંપતીને જામીન:પંદર દિવસ જેલવાસ બાદ અંતે નવનીત રાણાને મુક્ત કરાયા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરી દસ્તાવેજોને અભાવે જામીન મળ્યાના એક દિવસ પછી મુક્તિ

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાનો પડકાર આપ્યા પછી રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવેલાં અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ભાજપના બાડનેરના વિધાનસભ્ય રવિ રાણાને લગભગ 15 દિવસ પછી જામીન તો મળ્યા પરંતુ જરૂરી દસ્તાવેજોને અભાવે ગુરુવારે જેલમાંથી બહાર આવ્યાં હતાં.

બુધવારે તેમને જામીન અપાયાં હતાં, પરંતુ તે પછી તેમને જ્યાં જેલમાં રખાયાં હતાં ત્યાં જરૂરી દસ્તાવેજો પહોંચી નહીં શકતાં વધુ એક રાત જેલમાં વિતાવવી પડી હતી. ગુરુવારે નવનીત રાણા બપોરે આશરે 2 વાગ્યે ભાયખલા મહિલા જેલમાંથી બહાર આવ્યાં હતાં. આ પછી બીમારીના ઉપચાર માટે તેમને સીધા જ બાંદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના પતિનો જોકે નવી મુંબઈની તલોજા જેલમાંથી છુટકારો કરવા વિધિઓ ચાલી રહી હતી.

રાણા દંપતીની 23 એપ્રિલે ખાર પોલીસે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 124 (એ) (રાજદ્રોહ) અને 153 (એ) (અલગ અલગ જૂથો વચ્ચે વેરઝેર પેદા કરવું) હેઠળ ધરપકડ કરી હતી. રાણા દંપતીએ ઠાકરેના બાંદરા સ્થિત અંગત નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા પઠન કરશે એવો પડકાર ફેંક્યો હતો, જેને લઈ શિવસૈનિકો ઉશ્કેરાયા હતા, જેને કારણે મુંબઈમાં તણાવ પેદા થયો હતો.

આ તણાવ વધવાની શક્યતા જોતાં રાણા દંપતીએ હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમ પડતો મૂક્યો હોવાની ઘોષણા કરી હતી. આ માટે તેમણે બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવવાના હોવાથી કોઈ તણાવ પેદા કરવા માગતા નથી એવું કારણ આપ્યું હતું. જોકે પોલીસે તેમની સામે રાજદ્રોહ અને બે જૂથો વચ્ચે વેર પેદા કરવાનો ગુનો દાખલ કર્યો હતો.સાંસદો અને વિધાનસભ્યો સામેના કેસની સુનાવણી કરતી વિશેષ કોર્ટે બુધવારે રાણા દંપતીને જામીન આપતાં અનેક શરતો રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...