યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલમાં નૈતિકની ભૂમિકા ભજવીને ઘેરઘેર લોકપ્રિય થનારા અભિનેતા કરણ મહેરા છેલ્લા ઘણાં દિવસોથી લગ્નજીવનમાં વિખવાદને લીધે ચર્ચામાં છે. દરમિયાન પત્નીની મારપીટ કરવા માટે મુંબઈ પોલીસે સોમવારે મોડી રાત્રે કરણની ધરપકડ કરી હતી. કરણની પત્ની અભિનેત્રી નિશા રાવલે કરણ સાથે થયેલા ઝઘડા બાદ ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર કરણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલાય દિવસોથી અભિનેતા કરણ મહેરા અને અભિનેત્રી નિશા રાવલના લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જોકે એ સમયે નિશાએ આ ફક્ત અફવા હોવાનું જણાવ્યું હતું.
કરણ અને નિશાના લગ્ન 9 વર્ષ પહેલાં 2012માં થયા હતા. બંનેને 4 વર્ષનો પુત્ર કવિશ છે. કરણ અને નિશા બંને કામમાં વ્યસ્ત હોવાથી બંનેના લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી થયાનું બોલાઈ રહ્યું હતું. એના પર કરણે સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. અમારા લગ્નજીવનમાં વિખવાદની વાત અફવા છે. હું તાજેતરમાં પંજાબમાં શૂટિંગ કરતો હતો. હવે મુંબઈ પાછો આવ્યો છું.
મારા સેટ પર કેટલાક જણને કોરોનાનું સંક્રમણ થયું હતું. મારી કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઘરે જ છું. બેત્રણ વખત ટેસ્ટ કરાવ્યા પછી એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે છતાં મારી તબિયત થોડી બગડી છે. તેથી હું ઘરમાં ક્વોરન્ટાઈન થયો છું. અમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે એવા સમાચાર ખબર નહીં કેવી રીતે ઉછળે છે. આ બધી ખોટી વાત છે એમ જણાવતા કરણે અંગત જીવનમાં બધું સમુસૂતરું છે એમ સ્પષ્ટ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.