અભિનેતા હેમંત બિરજેને શરદી માટેની ગોળી ખાઈને ડ્રાઈવિંગ કરવું ભારે પડ્યું હતું. એની આ ભૂલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો હતો પણ સદનસીબે કુટુંબનો જીવ બચી ગયો હતો. શરદીની ગોળી ખાધા પછી ડ્રાઈવિંગ કરતો હોવાનું હેમંતે કબૂલ કર્યું હતું. આ દવાના કારણે એને એટલી ઘેન ચઢી કે કારમાં પોતાની સાથે કોણ પ્રવાસ કરતા હતા એ પણ યાદ નહોતું. થોડા સમય પછી પોતાની સાથે પત્ની અને પુત્રી હતી એ યાદ આવ્યું હતું.
મુંબઈમાં રહેતા હેમંત બિરજેને શરદી થઈ હતી. બદલાયેલા હવામાનની અસર થઈ હોવાથી એણે પુણે સ્થિત ઘરે જવાનું નક્કી કર્યું. સાંજે હેમંત, એની પત્ની અને પુત્રી પુણે જવા નીકળ્યા હતા. પણ એ પહેલાં હેમંતે શરદીની બે ગોળી ખાધી હતી અને પછી ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું. મુંબઈથી બહાર નીકળીને એ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર પહોંચ્યા અને લોનાવલા ક્રોસ કરી ગયા હતા. જોકે ઉર્સે ટોલનાકા નજીક હેમંતને ઘેન ચઢવા માંડી હતી.
શરદીની ગોળીઓની અસરથી એને ઉંઘ આવવા માંડી હતી. આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરવા છતાં એને ઉર્સે ગામની હદમાં ઝોકું આવી ગયું. કાર પરથી એનું નિયંત્રણ છૂટ્યુ અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં હેમંત, એની પત્ની અને પુત્રી ત્રણેય જખમી થયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કારણ પૂછતા હેમંતે શરદીની દવા ખાઈને ડ્રાઈવિંગ કર્યાનું કબૂલ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.