અરજી ફગાવી:ડ્રગ્સ કેસમાં અભિનેતા અરમાન કોહલીની જામીન અરજી ફગાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે કેસમાં કથિત બે ગ્રાહકોને મુંબઈ હાઈ કોર્ટે જામીન આપ્યા હતાં

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે ડ્રગ્સ કેસમાં અભિનેતા અરમાન કોહલીની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસમાં કથિત ગ્રાહકો કરીમ ધાનાની અને ઈમરાન અંસારીને જામીન આપ્યા હતા.અરમાને 25 ઓક્ટોબરે ડ્રગ્સ કેસમાં જામીન મળે તે માટે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ નીતિન સાંબ્રેએ એનસીબી અને અરજદારોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. આરોપીઓએ 14 ઓક્ટોબર, 2021ના રોજ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવાના વિરોધમાં હાઈ કોર્ટમાં ધા નાખી હતી.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ અરમાનના ઘરમાં દરોડા પાડતાં ઓગસ્ટ, 2021માં 1.2 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. અરમાન ત્યારથી જેલમાં બંધ છે. એનસીબીએ અરમાનના ઘરે ઓપરેશન રોલિંગ થંડર હેઠળ દરોડા પાડ્યા હતા. એનસીબી સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસ પછી મુંબઈમાં સતત ડ્રગ્સ પેડલર્સ તથા સપ્લાયર્સના નેટવર્ક પર કાર્યવાહી કરી રહી છે.

એનસીબીએ ડ્રગ્સ પેડલર અજય રાજુ સિંહની ધરપકડ કરી હતી અને તેણે અરમાન કોહલીનું નામ લીધું હતું. ત્યાર બાદ એનસીબીએ અરમાનની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તે સમયે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે અરમાન ડ્રગ્સ ઉપરાંત અન્ય ગંભીર કેસમાં પણ આરોપી છે. તપાસમાં એ વાત સામે આવી હતી કે અરમાનના ઘરેથી મળેલું ડ્રગ્સ દક્ષિણ અમેરિકાનું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2018માં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે ઘરમાં ઈમ્પોર્ટેડ વ્હિસ્કીની 41 બોટલ રાખવાના આરોપસર અરમાન કોહલીની ધરપકડ કરી હતી. ઉપરાંત ‘બિગ બોસ 7’ દરમિયાન પણ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. સ્પર્ધક સોફિયા હયાતે અરમાન વિરુદ્ધ માર મારવાનો કેસ કર્યો હતો. સાંતાક્રુઝ પોલીસે અરમાન પર મારપીટનો કેસ કર્યો હતો, જ્યારે લોનાવાલા સિટી પોલીસે અરમાન પર સતામણીનો આરોપ મૂક્યો હતો. થોડા સમય બાદ અરમાનને જામીન મળી ગયા હતા. ફિલ્મમેકર રાજકુમાર કોહલીનો દીકરો અરમાન ફ્લોપ એક્ટર હોવા છતાં બોલિવૂડનો જાણીતો ચહેરો છે અને તેણે ‘પ્રેમ રતન ધન પાયો’, ‘જાની દુશ્મન’ જેવી 17થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન કોહલી ‘બિગ બોસ 7’માં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...