ઉત્તમ ઉદાહરણ:મલાડની ગુજરાતી શાળામાં સ્પોકન અંગ્રેજી સહિત પ્રવૃત્તિ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડર નીકળી જતાં હવે વિદ્યાર્થીઓ ફાંકડુ અંગ્રેજી પણ બોલી શકે છે

આજના સમયની માગને ધ્યાનમાં રાખીને દરેક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. આ ક્રમમાં મુંબઈની ગુજરાતી શાળાઓ પણ અગ્રેસર છે. એનું ઉત્તમ ઉદાહરણ છે મલાડ પૂર્વમાં કુરાર વિલેજની સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કૂલ, જે આજે પણ મલાડના ગુજરાતી બાળકોના કલરવથી ગુંજે છે. આ શાળામાં ૨૦૧૫થી વૅકેશન દરમિયાન મુંબઈ ગુજરાતી સંગઠનની ટીમ દ્વારા સ્પોકન અંગ્રેજીના વર્ગો પણ લેવામાં આવે છે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે અને શાળાના દરેક વિદ્યાર્થીને ખૂબ જ લાભ થયો છે.

આ ઉપક્રમમાં વિદ્યાર્થી સહિત શાળાના શિક્ષકો અને આચાર્યોનો પણ સહભાગ રહ્યો છે. છેલ્લા દિવસે વાલીઓને પણ બોલાવવામાં આવે છે. વાલીઓ સામે બાળકો અંગ્રેજીમાં વિવિધ કૃતિઓ રજૂ કરે છે. ૨૦૧૯માં દરેક વિષય શિક્ષકે પોતે સ્પોકન અંગ્રેજી બાળકોને શીખવવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી. મલાડની આ શાળામાં આ સહિત વૅકેશન દરમિયાન સમરકૅમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

સમર કેમ્પ દરમિયાન બાળકોનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ સારો થાય એ માટે રમતગમત, ચિત્રકામ, કેલીગ્રાફી જેવી વિવિધ ઍક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન પણ રમતગમત પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે અને સ્કૂલનો સમય સમાપ્ત થયા બાદ રમતગમત માટે અલગથી સમય ફાળવવામાં આવે છે અને કોચ દ્વારા બાળકોને ગમતી રમતનું પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

ઓનલાઈન વાલીસભા
આ બાબતે વાત કરતાં પ્રાથમિક શાળાનાં આચાર્યા સંધ્યાબહેને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે ઑનલાઇન વાલીસભા સહિત યુટ્યુબનો પણ ઉપયોગ કરીએ છીએ.” તેમ જ સ્પોકન અંગ્રેજી વિશે વાત કરતાં માધ્યમિક શાળાના આચાર્ય વિનોદ સરે જણાવ્યું કે “સ્પોકન અંગ્રેજીથી બાળકોને ખૂબ લાભ થયો છે. અંગ્રેજી માટેનો ડર નીકળતાં હવે વિદ્યાર્થીઓ ફાંકડું અંગ્રેજી પણ બોલી શકે છે.”

અન્ય સમાચારો પણ છે...