કામગીરી:રેલવે ટર્મિનસ પરિસરમાં ચાલકો દ્વારા થતી હેરાનગતિ પર કાર્યવાહી

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ હજાર વાહનચાલકો પર કાર્યવાહી કરીને 7.5 લાખનો દંડ કરાયો

શહેરના વિવિધ ટર્મિનસ પરિસરમાં છેલ્લા થોડા દિવસથી વાહનાચાલકોના ત્રાસના કારણે પ્રવાસીઓએ ઘણી હેરાનગતિ ભોગવવી પડતી હતી. એની નોંધ લઈને રેલવે પોલીસે ફરીથી પરિવહન શાખા શરૂ કરી છે. એના અંતર્ગત નવા વર્ષના પહેલાં પાંચ દિવસમાં દોઢ હજાર વાહનચાલકો પર કાર્યવાહી કરીને સાડા સાત લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મુંબઈ શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, બાન્દરા ટર્મિનસ અને મુંબઈ સેંટ્રલ ટર્મિનસ ખાતે મોટા પ્રમાણમાં પ્રવાસીઓની ગિરદી હોય છે.

ત્યાં ટેક્સી, રિક્ષા અને બીજા વાહનચાલકો તરફથી પ્રવાસીઓએ મોટા પ્રમાણમાં હેરાનગતિ ભોગવવી પડતી હતી. આ બાબતે રેલવે પોલીસ પાસે અનેક ફરિયાદ ગયા પછી રેલવે પોલીસ આયુક્ત કૈસર ખાલિદે 15 વર્ષથી બંધ રેલવેની પરિવહન શાખા ફરીથી 17 નવેમ્બર 2021ના શરૂ કરી હતી. અત્યારે આ પરિવહન શાખાની સંપૂર્ણ જવાબદારી સહાયક પોલીસ નિરીક્ષક સુરેશ ભાલે પાસે છે.એ અનુસાર અત્યારે આ બધા ટર્મિનસની બહાર રેલવે પરિવહન પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. ગેરજવાબદાર વાહનચાલકોની સાન ઠેકાણે લાવવાનું કામ તેમના દ્વારા કરવામાં આવે છે. નિયમ તોડનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને પોલીસ તેમની પાસેથી દંડ વસૂલ કરે છે. નવા વર્ષમાં રેલવે પરિવહન પોલીસે કાર્યવાહી વધુ કઠોર કરી છે.

એ અનુસાર પાંચ દિવસમાં બુધવાર સુધી પોલીસે 1 હજાર 428 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની પાસેથી 7 લાખ 54 હજાર 600 રૂપિયા દંડ વસૂલ કર્યો છે. એમાં વાહનવ્યવહારમાં અડચણ ઊભી કરવી, સીટબેલ્ટ ન પહેરવો, યુનિફોર્મ ન પહેરવો, હેલમેટ ન પહેરવી, રંગીન કાચ લગાડવા, લાઈનમાં ઊભા ન રહેવું, ખોટી નંબરપ્લેટ લગાડવી, ગંદું વાહન, વિરુદ્ધ દિશામાં આવવું, નો પાર્કિંગમાં વાહન ઊભું કરવું અને વધુ પ્રવાસીઓ બેસાડવા જેવા નિયમભંગ પર કાર્યવાહીનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...