થાણેના નાગરિકો માટે થાણે મહાપાલિકાએ સરસ સમાચાર આપ્યા છે. થાણેમાં 500 સ્કવેર ફૂટ સુધીના ઘરને કરમાફી મળશે. સામાન્ય કર બાદ કરીને પ્રોપર્ટી ટેક્સનું બિલ હવે મળશે. થાણે મહાપાલિકાએ લીધેલા આ નિર્ણયના કારણે લાખો નાગરિકોને મોટી રાહત મળશે. થાણે શહેરની ઝૂપડપટ્ટીઓ, ચાલીઓ તેમ જ વન બીએચકેના ઘરને આ નિર્ણયનો લાભ થશે. કરમાફીના કારણે થાણે મહાપાલિકાની તિજોરી પર અંદાજે 76 કરોડ રૂપિયાનો બોજો પડશે.
થાણેના નાગરિકોના 500 સ્કવેર ફૂટ સુધીના ઘર માટે પ્રોપર્ટી ટેક્સમાં માફી આપવાનો પ્રસ્તાવ મહાસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મંજૂર થયા પછી એ રાજ્ય સરકાર પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો. એના પર મંજૂરીનો સિક્કો મારવામાં આવ્યો છે. મહાપાલિકા કમિશનર ડો.. વિપીન શર્માએ મુંબઈ પ્રમાણે જ થાણેના નાગરિકોને કરમાફી આપવાનો નિર્ણય લીધો છે.
થાણે મહાપાલિકા ક્ષેત્રમાં લગભગ 3 લાખ માલમતાધારક છે. એમાં જેમના ઘર 500 સ્કવેર ફૂટ સુધીના છે તેમને આ નિર્ણયનો લાભ મળશે. સંપૂર્ણ કરમાફી નથી છતાં સામાન્ય કર સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો છે. સામાન્ય કર લગભગ 45 થી 50 ટકા જેટલો છે જે હવે ચુકવવો નહીં પડે. પ્રોપર્ટી ટેક્સના બિલમાં પાણીલાભ, અગ્નિશમન, વૃક્ષ, રસ્તા, સાફસફાઈ જેવા કર ચુકવવા પડશે. થાણે મહાપાલિકાએ લીધેલો આ નિર્ણય રાજ્ય સરકારના આદેશ અનુસાર છે જેના લીધે સામાન્ય નાગરિકોને 50 ટકા ફાયદો થશે એમ કમિશનર શર્માએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.