તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકજામ:મુંબઈ અનલોક થતાંની સાથેજ મુશ્કેલીમાં વધારો કરનારુ દ્રષ્ય

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ, ઠેર ઠેર ભારે ભીડ

મુંબઇમાં કોવિડ -19ને નિયંત્રિત કરવા માટે લગભગ બે મહિના પહેલાં લાદવામાં આવેલા પ્રતિબંધ હળવા કર્યા પછી સોમવારે મુંબઇમાં રેસ્ટોરાં, જિમ, સલૂન અને અન્ય વ્યાપારી સંસ્થાઓ ફરીથી ખૂલી હતી. મહારાષ્ટ્ર સરકારની પાંચ-સ્તરની અનલોક યોજનાની ત્રીજી કેટેગરી હેઠળ મુંબઈ શહેર આવે છે.

કોરોનાના ભયને કારણે લગભગ દોઢ મહિના સુધી લોક રહેલું મુંબઈ સોમવારે ફરી અનલોક થયું હતું. જોકે અનલોક થતાં જ મુંબઈના માર્ગો પર જે નજારો જોવા મળ્યો હતો તે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. શહેર ખૂલતાંની સાથે અનેક વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા.

બીએમસીનો સાવચેત રહેવા અનુરોધ
મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ યુનિટ બેસ્ટની બસોને 100 ટકા બેઠક ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ફક્ત તબીબી અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ છે.એક ટ્વિટમાં બીએમસી એ કહ્યું કે, ‘મુંબઈ, એક નમ્ર વિનંતી! અમે તબક્કાવાર રીતે પાટા પર પાછા ફરી રહ્યા છીએ, અમારું મુખ્ય લક્ષ્ય કોરોનામુક્ત મુંબઈ છે અને અમે આ બાબતમાં કોઈ ગફલતમાં રહી શકતા નથી. આપણે સાવચેત રહેવું જોઈએ. બધી સાવચેતીઓને અનુસરો!

પાંચ લેવલની યોજનાની ઘોષણા
મહારાષ્ટ્ર સરકારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન પથારીની ઉપલબ્ધતાના આધારે રાજ્યમાં નિયંત્રણો હળવા કરવા માટે પાંચ લેવલની યોજનાની ઘોષણા કરી છે. ત્રીજી કેટેગરી હેઠળ તે સ્થળોએ જ્યાં ચેપ દર પાંચ ટકાથી 10 ટકાની વચ્ચે છે, તેમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. બીએમસીએ રવિવારે મોડી સાંજે નિયંત્રણો હળવા કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડી હતી.

બેસ્ટ બસો માટે લાઈન
લોકો ઓફિસ જવા માટે બેસ્ટના બસ સ્ટોપ પર લાઇનોમાં ઊભેલા જોવા મળ્યા હતા. હાલમાં બેઠક ક્ષમતા જેટલા પ્રવાસીઓને બસમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. બસમાં ઊભાં ઊભાં પ્રવાસ કરવાની મંજૂરી નથી. થાણે શહેરથી મુંબઇ આવતી ટ્રેનોની સંખ્યામાં આજે નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે મુલુંડ ચેક નાકા પાસે લાંબો ટ્રાફિકજામ રહ્યો હતો. પોઝિટિવિટી દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે મુંબઈને કેટેગરી-3 માં મૂકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...