આયોજન:મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રીવે પર હેન્ગિંગ ગાર્ડન્સની પ્રતિકૃતિ ઊભી કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આક્સા બીચનો પુનરુદ્ધાર, ફ્લાયઓવર નીચે વોલીબોલ કોર્ટસની યોજના

મહાપાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં ખાસ કરીને સત્તાધારી શિવસેનાએ વિવિધ પ્રકલ્પોને અંજામ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આના ભાગરૂપે આકસા બીચનો રૂ. 30 કરોડમાં કાયાકલ્પ, ઈસ્ટર્ન ફ્રીવે પર હેન્ગિંગ ગાર્ડન્સની પ્રતિકૃતિ અને ફ્લાયઓવરો નીચે વોલીબોલ કોર્ટસ સહિત મુંબઈનાં ઉપનગરો માટે ભવ્ય યોજનાઓની ઘોષણાઓ કરવામાં આવી છે.મહાપાલિકાની ચૂંટણી આગામી વર્ષે આવી રહી છે. મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ બુધવારે ઉપનગરના વિધાનસભ્યો સામે રૂ. 497 કરોડનો જિલ્લા નિયોજન વિકાસ સમિતિનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તુતિકરણ દરમિયાન તેમણે જણાવ્યું કે અમે એમિનિટીઝ નિર્માણ કરવા ભાર આપી રહ્યા છે, જે સાથે મુંબઈનો કાયાકલ્પ કરવા માગીએ છીએ. યોજનાઓમાં ઈસ્ટર્ન ફ્રીવેના ટનલની શરૂઆત નજીક હેન્ગિંગ ગાર્ડન્સની પ્રતિકૃતિ અને ટ્રોમ્બે ખાતે જેટ્ટીનો વિકાસ સમાવેશ થાય છે. ખાર ખાતે કુશળતા વિકાસ સંસ્થા ઊભી કરવામાં આવશે.સિગ્નલોમાં સુધારણા કરીને મુંબઈની ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બસ સ્ટોપ મહિલાઓ માટે સુરક્ષિત બને અને જાહેરાત માટે પૂરતી જગ્યા સાથે બેઠકની યોગ્ય વ્યવસ્થાની ખાતરી રાખવા માટે યોજના છે, જેથી બેસ્ટ ઉપક્રમને પણ જાહેરાતમાંથી કમાણી થઈ શકે.

રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથને સુધારવામાં આવશે. પૂરને લીધે જમીન ધસી પડવાની ઘટનાઓ રોકવા માટે સુરક્ષાનું જાળું તૈયાર કરાશે. ગયા વર્ષે બજેટમાં આ કામ માટે ભંડોળની જોગવાઈ કરાઈ હતી, પરંતુ કોવિડની સ્થિતિને લીધે ખર્ચ થયો નહોતો. બાંદરા પશ્ચિમના ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે જણાવ્યું કે અમે સરકાર દ્વારા પ્રસ્તાવિત બધાનો વિરોધ કરતા નથી. જોકે તેમની આ યોજનાઓ મહાપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...