કાર્યવાહી:પવારના ઘર પર હુમલા પ્રકરણે પુણેના પત્રકારની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણરત્ન સદાવર્તેને ન્યાયિક કસ્ટડી બાદ સાતારા પોલીસે કબજો લીધો

મુંબઈમાં એનસીપીના પ્રમુખ શરદ પવારના સિલ્વર ઓક નિવાસસ્થાનની બહાર તાજેતરમાં વિરોધ પ્રદર્શનના સંબંધમાં પોલીસે પુણેના એક પત્રકારની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે આ કેસમાં 115 જણની ધરપકડ કરી છે, જેમાંથી એડવોકેટ ગુણરત્ન સદાવર્તે સહિત નવ જણ પોલીસ કસ્ટડીમાં હતા.

એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ કહ્યું કે, ચંદ્રકાંત સૂર્યવંશી નામના પત્રકારની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. તે સદાવર્તેના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે એક યુટયુબ ચેનલ ચલાવે છે. અન્ય આરોપીઓની પૂછપરછ દરમિયાન ટોળાના હુમલામાં તેની ભૂમિકા બહાર આવ્યા પછી સૂર્યવંશીને બુધવારે વહેલી સવારે ઝડપી લેવામાં આવ્યો હતો.

દરમિયાન બુધવારે સદાવર્તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે સદાવર્તેની વધુ સાત દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલવાની માગણી કરી હતી. ન્યાયિક કસ્ટડી મળતાં જ સાતારા પોલીસે સદાવર્તેનો કબજો લીધો હતો. બીજી બાજુ આ કેસમાં પોલીસે સદાવર્તેની પત્ની જયશ્રીને પણ આરોપી બતાવી છે અને તેની શોધ શરૂ કરી છે.

સદાવર્તેના વકીલની બુધવારે ત્રીજી વખત બદલી કરવામાં આવી છે. આ કેસના અન્ય આરોપી અભિષેક પાટીલ અને ચંદ્રકાંત સૂર્યવંશીને 16 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પવારના ઘરની સામે આંદોલન બાદ સદાવર્તે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ તેમને 13 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સદાવર્તેની પોલીસ કસ્ટડી 13 એપ્રિલે પૂરી થઈ હતી. એથી સદાવર્તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

ઘટનાનો રેલો નાગપુરમાં
દરમિયાન સરકારી વકીલ પ્રદીપ ઘરતે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતુ કે સિલ્વર ઓક ખાતે આંદોલન પ્રકરણ નાગપુરમાં બેઠાં બેઠાં એક વ્યક્તિ ઓપરેટ કરતી હતી. તે વ્યક્તિ કોણ છે તેનું રહસ્ય અકબંધ છે. બીજી બાજુ સદાવર્તેના વકીલે દલીલ કરી કે કોર્ટને નાગપુરની વ્યક્તિ વિશે કોઈ પણ પુરાવા અપાયા નથી. હકીકતમાં પોલીસે આ સ્ટોરી અગાઉથી જ બનાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...